નવી દિલ્હી: સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2026 ક્વાર્ટર (નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટર) માટે તમામ નાની બચત યોજનાઓ (Small Saving Schemes) પરના વ્યાજ દરોની જાહેરાત કરી દીધી છે. સરકારે કોઈપણ યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમામ સ્મોલ સેવિંગ સ્કીમ પર પહેલા જેટલું જ વ્યાજ મળતું રહેશે. આ વ્યાજ દરો એપ્રિલ-જૂન 2026ના ક્વાર્ટર જેટલા જ સમાન રહેશે.
નાણા મંત્રાલયે શું કહ્યું?નાણા મંત્રાલયના ઈકોનોમિક ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટર જેટલા જ યથાવત રહેશે. આ નિર્ણયનો અર્થ એ છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (POMIS) જેવી લોકપ્રિય સરકારી બચત યોજનાઓમાં રોકાણ કરનારા રોકાણકારોને સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સમાન રિટર્ન મળતું રહેશે.
- જુલાઈ-સપ્ટેમ્બર 2026 ક્વાર્ટર માટે વ્યાજ દરો
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી મુખ્ય નાની બચત યોજનાઓમાં વાર્ષિક 8.2 ટકા નું સૌથી વધુ વ્યાજ મળશે. - નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 7.7 ટકા નો વ્યાજ દર મળી રહ્યો છે.
- જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વાર્ષિક 7.1 ટકા નો વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.
- પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) પર 7.4 ટકા નો વ્યાજ દર ચાલુ રહેશે.
- કિસાન વિકાસ પત્ર (KVP) પર 7.5 ટકા નો વ્યાજ દર છે અને આ રોકાણ 115 મહિનામાં મેચ્યોર થશે.
પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ યથાવત્ રખાયા છે. 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.9 ટકા, 2 વર્ષની એફડી પર 7 ટકા, 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7.1 ટકા અને 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ મળે છે. 5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) પર 6.7 ટકા વ્યાજ મળવાનું ચાલુ રહેશે.
જુલાઈ-સપ્ટેમ્બર 2026 માટે લઘુ બચત યોજનાના વ્યાજ દર
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) – 7.1 ટકા
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) – 8.2 ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) – 8.2 ટકા
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) – 7.7 ટકા
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) – 7.4 ટકા
કિસાન વિકાસ પત્ર (KVP) – 7.5 ટકા
1 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – 6.9 ટકા
2 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – 7.0 ટકા
3 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – 7.1 ટકા
5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ – 7.5 ટકા
5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) – 6.7 ટકા
આજે પણ મોટાભાગના ભારતીયો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. કારણ કે આ એક એવો રોકાણ વિકલ્પ છે જે જોખમ વિના ગેરંટીડ રિટર્ન આપે છે અને શેરબજારની અસ્થિરતાથી દૂર રાખે છે. આ યોજનાઓ ભારત સરકાર દ્વારા સમર્થિત છે, આથી જ આ યોજનાઓને સૌથી સુરક્ષિત નિશ્ચિત આવકના રોકાણ વિકલ્પોમાં ગણવામાં આવે છે. આમાંની ઘણી યોજનાઓ આવકવેરા અધિનિયમ (Income Tax Act) હેઠળ ટેક્સ બેનિફિટ પણ પ્રદાન કરે છે.




