સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસ પર પલટવાર

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે ઉઠાવવામાં આવેલા સવાલો બાદ ભારતીય જનતા પાર્ટીએ આકરો પલટવાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ પર દેશના લોકતાંત્રિક માળખા અને બંધારણીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

જરૂરી સુધારા સામે કોંગ્રેસને શા માટે વિરોધ?

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે મતદાતા યાદીની શુદ્ધિ માટે જમીની સ્તરે BLO (બીએલઓ) ઘરે-ઘરે જઈને દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જો ઇલેક્ટોરલ રોલમાં કોઈ મૃત વ્યક્તિનું નામ હોય કે ડુપ્લિકેટ નામ હોય તો તેને દૂર કરવું એ યોગ્ય પ્રક્રિયા છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી શા માટે ઈચ્છે છે કે મતદાતા યાદીમાં મૃત લોકો અને ડુપ્લિકેટ નામો યથાવત રહે?” તેમણે ઉમેર્યું કે ચૂંટણીમાં સતત થતી હારની સમીક્ષા કરવાને બદલે કોંગ્રેસ પોતાની નિષ્ફળતાનો દોષ ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થાઓ પર મઢી રહી છે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકારો છે ત્યાં શું તેઓ ચૂંટણી પંચને ક્લીન ચિટ આપે છે?

ઈતિહાસ ટાંકીને કોંગ્રેસ પર કર્યા પ્રહારો

સીડબ્લ્યુસી બેઠકમાં લાહોર અધિવેશનના ઉલ્લેખ અંગે પ્રતિક્રિયા આપતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “કોંગ્રેસ જો ઈતિહાસના પાના પલટાવવા માંગતી હોય તો તેણે એ પણ દેશ સમક્ષ મુકવું જોઈએ કે બ્રિટિશ સામ્રાજ્યના સંરક્ષણ માટે એ. ઓ. હ્યુમના સુઝાવ પર કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. જે પક્ષનો પાયો જ આવી વિચારસરણી પર નખાયો હોય તે આજે લાહોર અધિવેશનનો ઉલ્લેખ કરીને ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યો છે, જે અત્યંત શરમજનક છે.” તેમણે વધુમાં યાદ અપાવ્યું હતું કે 2019માં કોંગ્રેસ નેતૃત્વએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી. પરંતુ વડાપ્રધાને હંમેશા સ્પષ્ટ કર્યું છે કે રાજકીય હુમલાઓ તેમની સામે થાય તે સ્વીકાર્ય છે, પરંતુ ભારતની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ પર પ્રહારો દેશહિતમાં નથી.