ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં એક મોટા નેતૃત્વ પરિવર્તનના એંધાણ સાથે BCCI એ નવી કપ્તાનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. દિગ્ગજ ખેલાડી હરમનપ્રીત કૌરે સુકાની પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ બોર્ડે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને ટીમ ઈન્ડિયાની નવી કપ્તાન બનાવી છે. સ્મૃતિ મંધાના આ અગાઉ ભારતીય ટીમની વાઇસ કેપ્ટન તરીકે સફળતાપૂર્વક ભૂમિકા ભજવી રહી હતી.

કપ્તાન બન્યા બાદ સ્મૃતિ મંધાનાની પ્રતિક્રિયા
નવી જવાબદારી સોંપાયા બાદ ભાવુક અને ઉત્સાહિત બનેલી સ્મૃતિ મંધાનાએ જણાવ્યું હતું કે, ભારતની કપ્તાની કરવાની જવાબદારી મળવી એ મારા માટે અત્યંત વિશેષ સન્માનની વાત છે. દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે અને હવે ટીમનું નેતૃત્વ કરવાની તક મળવી મારા માટે ખૂબ કિંમતી છે. મારી આ સફરમાં સાથ આપવા અને મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું BCCI, પસંદગીકારો, મારી ટીમના સાથીઓ અને તમામ ચાહકોની આભારી છું.

હરપ્રીત કૌરના યોગદાનને બિરદાવ્યું
મંધાનાએ પૂર્વ કેપ્ટન હરપ્રીત કૌરના વર્ષોના યોગદાનને યાદ કરતાં ઉમેર્યું હતું કે, હું હરપ્રીત કૌર અને આટલા વર્ષો સુધી કેપ્ટન તરીકે તેમના અદ્ભુત યોગદાનને પણ ખાસ યાદ કરવા માંગુ છું. તેમણે ખૂબ જ સમર્પણ અને નિષ્ઠા સાથે ટીમનું નેતૃત્વ કર્યું છે અને તેઓ આપણી ક્રિકેટ સફરનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે. હું આ પદ સાથે આવતી તમામ જવાબદારીઓને સારી રીતે સમજું છું અને ટીમ સાથે મળીને શીખવા તથા ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છું.




