ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની પંજાબ વિધાનસભાએ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર કાયદાકીય પ્રતિબંધ લગાવવાની માગ કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. સાયબર બુલિંગ, ઓનલાઈન શોષણ અને બાળકો પર વધતા સ્ક્રીન ટાઈમની અસરોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મંગળવારે ધારાસભ્ય સારા અહમદે વિધાનસભામાં રજૂ કર્યો હતો. તેઓ બાળ સુરક્ષા બ્યુરોના અધ્યક્ષ પણ છે.અહેવાલ મુજબ પંજાબ વિધાનસભાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગૃહે સર્વસંમતિથી આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (PTI)એ પણ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. વિધાનસભાએ કેન્દ્ર સરકારને 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયાની પહોંચ મર્યાદિત કરવા યોગ્ય કાયદો બનાવવાની ભલામણ કરી છે.
સોશિયલ મિડિયા પર શા માટે પ્રતિબંધની માગ?
આ પ્રસ્તાવમાં બાળકોને ડિજિટલ દુનિયાના વધતા જોખમોથી બચાવવા માટે વ્યાપક કાયદો બનાવવાની તેમ જ કેન્દ્ર અને પ્રાંતીય સંસ્થાઓ વચ્ચે સંકલિત વ્યવસ્થા ઊભી કરવાની માગ કરવામાં આવી છે.
પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મિડિયાની અનિયંત્રિત પહોંચને કારણે સગીર બાળકો સાયબર બુલિંગ, ઓનલાઈન જાતીય શોષણ, અયોગ્ય સામગ્રી અને માનસિક તણાવ જેવાં અનેક જોખમોના સંપર્કમાં આવી રહ્યા છે.
આ પ્રસ્તાવમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ચીન અને અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં બાળકોની સોશિયલ મિડિયા સુધીની પહોંચને લઈને લેવામાં આવેલા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સાથે જ પાકિસ્તાન સરકારને પણ આવા જ કાયદાકીય સુરક્ષા પગલાં લાગુ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વિશ્વભરની સરકારો બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતિત છે અને આ સમસ્યાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક અભ્યાસોમાં પણ સોશિયલ મિડિયાના વધુપડતા ઉપયોગ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, સાયબર શોષણ તથા હાનિકારક સામગ્રીના સંપર્ક વચ્ચેના સંબંધની સતત તપાસ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક દેશોએ તાજેતરમાં સોશિયલ મિડિયાના ઉપયોગને લઈને ઉંમર આધારિત કડક નિયમો લાગુ કરવાની દિશામાં પગલાં ભર્યા છે. જ્યારે કેટલીક અન્ય સરકારો બાળકોને ઓનલાઈન સુરક્ષિત રાખવા માટે કડક ઉંમર ચકાસણી (એજ વેરિફિકેશન) સિસ્ટમ અને વધુ મજબૂત કાયદાઓ પર વિચાર કરી રહી છે.




