સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનો રોડ-શો અને વિશેષ યજ્ઞ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મેના રોજ સોમનાથ મંદિરના ઈતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર યોજાનારું પ્રથમ ‘કુંભાભિષેક’ છે.

સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર શિખર કુંભાભિષેક

પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતી આ પવિત્ર પરંપરા હવે સોમનાથમાં પણ સાકાર થશે. આ વિધિ માટે દેશના ૧૧ પવિત્ર તીર્થસ્થાનો પરથી પવિત્ર જળ લાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશાળ ક્રેન દ્વારા પવિત્ર કુંભને શિખર સુધી લઈ જવામાં આવશે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિખરનો અભિષેક કરવામાં આવશે.

PM મોદીનો ભવ્ય રોડ શો અને વિશેષ પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે સોમનાથમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન હેલીપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શો કરશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો તેમનું સ્વાગત કરશે. સોમનાથ મંદિર પહોંચ્યા બાદ પીએમ મોદી વિશેષ યજ્ઞમાં આહુતિ આપશે અને મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેમની ગરિમામય ઉપસ્થિતિમાં ૧૧ તીર્થોના જળથી મહા કુંભાભિષેક સંપન્ન થશે.