સોમનાથ અમૃતપર્વ: ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર થશે 11 તીર્થોના જળથી કુંભાભિષેક

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃતપર્વ 2026નો અવસર આવી ગયો છે. આ પાવન પ્રસંગે ફરીએકવાર સોમનાથમાં ઈતિહાસ રચાવાનો છે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા ‘સોમનાથ અમૃતપર્વ-2026’ ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે.પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.

 

‘સોમનાથ અમૃતપર્વ 2026’ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેશે અને સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે.આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. મંત્રોચ્ચાર સાથે 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી શિખર પર અભિષેક કરવામાં આવશે.

આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે 10-12 વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.