“બીજી આઝાદી માટે તમારી મદદ જોઈએ છે…”: સોનમ વાંગચુકની દેશવાસીઓને હાકલ

જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે દેશના 80th સ્વતંત્રતા દિવસ પહેલા દેશવાસીઓને એક ‘શાંત ક્રાંતિ’ ની શરૂઆત કરવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે જો ભારતને 2047 સુધીમાં એક વિકસિત અને સન્માનિત રાષ્ટ્ર બનાવવું હશે, તો દેશના રાજકીય નેતૃત્વની પસંદગીની પદ્ધતિમાં અમૂલ્ય અને મૂળભૂત ફેરફારો લાવવા પડશે. સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વિડીયો મેસેજ શેર કરતાં કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને આ દરમિયાન તેઓ દેશ અને તેના ભવિષ્ય વિશે સતત વિચારતા રહ્યા. તેમણે દેશના લોકોને એવા નિઃસ્વાર્થ, નિર્ભીક અને ચારિત્ર્યવાન લોકોના નામ સૂચવવા અપીલ કરી છે, જેઓ ભારતને નવી દિશા આપવા માટે સક્ષમ હોય. વર્તમાન પરિસ્થિતિ જોઈને તેમને ભારે નિરાશા થાય છે.

“2047 માં વિકસિત દેશ નહીં બનીએ તો…”

વાંગચુકે અન્ય દેશોની સરખામણી કરતાં કહ્યું કે, ભૂતકાળમાં ભારતથી પાછળ કે બરાબરી પર રહેલા દેશો આજે માથાદીઠ જીડીપી (Per Capita GDP) ની દ્રષ્ટિએ ઘણા આગળ નીકળી ગયા છે. તેમણે આ સંદર્ભે થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશના ઉદાહરણો આપ્યા હતા. તેમણે ચેતવણી આપી કે જો હાલની સ્થિતિ ચાલુ રહેશે, તો ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવાના પોતાના લક્ષ્યથી દૂર રહી જશે. જો દેશની શિક્ષણ વ્યવસ્થા પછાત રહેશે, તો દેશનું ભવિષ્ય પણ પછાત રહેશે.

પાર્ટીઓ નહીં, વ્યવસ્થા બદલવાની જરૂર

વિદ્યાર્થીઓના તાજેતરના આંદોલનોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે લોકોએ ફેરફારની માંગ કરી અને કેટલાક ફેરફારો જોવા પણ મળ્યા, જેમ કે શિક્ષણ મંત્રીનું રાજીનામું. પરંતુ નવા શિક્ષણ મંત્રી પાસેથી પણ કોઈ મોટા બદલાવની આશા હાલ દેખાતી નથી. અન્યાય સામે અવાજ ઉઠાવનારા લોકો પર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પક્ષોની સરકારોએ કાર્યવાહી કરી છે, તેથી આ સમસ્યા કોઈ એક રાજકીય પક્ષ પૂરતી સીમિત નથી. તેમણે 2012-13 ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે સમયે આંદોલન બાદ સરકાર તો બદલાઈ ગઈ, પરંતુ લગભગ 12 વર્ષ પછી પણ ભ્રષ્ટાચાર અને અન્યાય નવા સ્વરૂપે વધુ મોટો પડકાર બનીને સામે ઊભા છે.

નેતાઓ સાચા નહીં હોય તો દેશ ખોટા રસ્તે જશે

વાંગચુકે ઉમેર્યું કે દેશમાં શાંતિપૂર્ણ ક્રાંતિ એટલા માટે જરૂરી છે જેથી ચૂંટણીઓ દ્વારા એવા નેતાઓને આગળ લાવી શકાય જે દેશને સાચી દિશા આપી શકે. “જ્યાં સુધી નેતાઓ યોગ્ય નહીં હોય, ત્યાં સુધી આખો દેશ ખોટા રસ્તે ચાલશે.” જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે દેશમાં આજે પણ ઘણા એવા નેતાઓ છે જેઓ ઈમાનદારી અને સાચા રસ્તે ચાલે છે અને તેઓ આવા નેતાઓનું સન્માન કરે છે.

લગભગ અડધા સાંસદો પર ગુનાહિત કેસો

સંસદમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા સાંસદો અંગે ચિંતા વ્યક્ત કરતાં વાંગચુકે દાવો કર્યો કે લગભગ અડધા સાંસદો પર ગુનાહિત કેસો છે અને આશરે એક તૃતીયાંશ (One-Third) સાંસદો પર હત્યા, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર આરોપો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ એક પક્ષ કે સત્તા પક્ષ-વિપક્ષની વાત નથી કરી રહ્યા, પરંતુ સમગ્ર સિસ્ટમ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

બીજા સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆતનો સવાલ

વાંગચુક દેશના ‘બેસ્ટ માઈન્ડ્સ’ (શ્રેષ્ઠ મગજો) ને એકસાથે લાવીને તેમની સલાહ લેવા માંગે છે. તેમણે લોકોને પોતાના રાજ્ય અને વિસ્તારમાંથી ઓછામાં ઓછા 1 એવા વ્યક્તિનું નામ સૂચવવા કહ્યું છે જે નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન હોય. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “શું આપણે બધા મળીને ભારતનું બીજું સ્વાતંત્ર્ય આંદોલન શરૂ કરી શકીએ?” તેઓ આવા શ્રેષ્ઠ લોકો સાથે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં જઈને સંવાદ સાધવા અને ભવિષ્ય માટે જનતા પાસે સૂચનો મેળવવા ઈચ્છે છે.