પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હતા સોનમ વાંગચુકઃ લદ્દાખના DGPનો દાવો

લેહ: લદ્દાખના DGP એસ.ડી.સિંહ જામવાલે સોનમ વાંગચુક અંગે મોટો ખુલાસો કર્યો છે. શનિવારે એક નિવેદનમાં તેમણે આક્ષેપ કર્યો કે સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે સંબંધ છે. એ સાથે જ DGPએ તેમના પડોશી દેશોના પ્રવાસોને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સોનમ વાંગચુકે તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવા માટે ઉપવાસ આંદોલન કર્યું હતું.

સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની ધરપકડ અને તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો એક ષડયંત્રનો ભાગ છે અને લોકોની માગ પર ધ્યાન આપવાને બદલે કેન્દ્ર તેમને બલિનો બકરો બનાવી રહ્યું છે.

સીમા પાર મોકલાતો હતો રિપોર્ટ

પોલીસે તાજેતરમાં એક પાકિસ્તાની ગુપ્તચર અધિકારીની ધરપકડ કરી હતી, જે કથિત રીતે વાંગચુકના સંપર્કમાં હતો. અમે તાજેતરમાં એક પાકિસ્તાની PIOની ધરપકડ કરી છે, જે સીમા પાર રિપોર્ટ મોકલી રહ્યો હતો. અમારી પાસે તેનો રેકોર્ડ છે. તે (સોનમ વાંગચુક) પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા અને બાંગ્લાદેશ પણ ગયા હતા. આ બાબત ગંભીર સવાલો ઊભા કરે છે. આ મામલે તપાસ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

આ સિવાય ડીજીપી એસ.ડી.સિંહ જામવાલે સોનમ વાંગચુક પર 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં વિરોધ દરમિયાન હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. આ હિંસામાં પ્રદર્શનકારીઓએ વાહનો અને સ્થાનિક ભાજપ કચેરીમાં આગ લગાવી દીધી હતી, જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને આશરે 80 અન્ય ઘાયલ થયા હતા.

લદ્દાખ હિંસામાં વિદેશી હાથ

લેહમાં થયેલી હિંસામાં વિદેશી તત્ત્વો સામેલ હતાં કે નહીં એ અંગે પુછાયેલા સવાલના જવાબમાં પોલીસ પ્રમુખે કહ્યું હતું કે તપાસમાં બે અન્ય લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે નહીં, એ હજી સ્પષ્ટ નથી. આ વિસ્તારમાં નેપાળી નાગરિકો મજૂર તરીકે કામ કરતા આવ્યા છે, તેથી અમારે તેની વધુ તપાસ કરવી પડશે.