નીટ-યુજી (NEET-UG) પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન સતત ચલાવવામાં આવી રહ્યું છે. સીજેપી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે અને તેમના સમર્થકોના આ આંદોલનને સમર્થન આપવા માટે લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પ્રખ્યાત એન્જિનિયર સોનમ વાંગચુક પણ જોડાયા છે. સોનમ વાંગચુક છેલ્લા 17 દિવસથી સતત ભૂખ હડતાળ પર બેઠા છે, જેના કારણે તેમની તબિયત હવે ઝડપથી બગડી રહી છે.

2 દિવસમાં મોત થવાનો ભય: હાઈકોર્ટમાં અરજી
સોનમ વાંગચુકના બગડતા સ્વાસ્થ્યને લઈને હવે દિલ્હી હાઈકોર્ટમાં એક તાત્કાલિક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજી વકીલ અને સામાજિક કાર્યકર્તા રાકેશ કુમાર સૈની દ્વારા કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભૂખ હડતાળના કારણે સોનમ વાંગચુકનું વજન અત્યાર સુધીમાં આશરે 8.5 kg જેટલું ઘટી ગયું છે. જો આ સ્થિતિ વધુ સમય સુધી ચાલુ રહેશે, તો આગામી 2 દિવસમાં તેમનું અવસાન પણ થઈ શકે છે, જે દેશ અને સમગ્ર વિશ્વ માટે અત્યંત આઘાતજનક બાબત હશે. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને તાત્કાલિક આદેશ આપે જેથી વાંગચુકને બળજબરીપૂર્વક હોસ્પિટલમાં દાખલ કરીને મેડિકલ સપોર્ટ (દ્રવ્ય આહાર/લિક્વિડ ડાયેટ) આપવામાં આવે અને તેમનું અનશન તોડાવવામાં આવે.
‘૩ ઇડિયટ્સ’ ના ફુનસુખ વાંગડૂ તરીકે ઓળખાય છે
નોંધનીય છે કે આમિર ખાનની સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘3 Idiots’ માં દર્શાવવામાં આવેલું લોકપ્રિય પાત્ર ‘ફુનસુખ વાંગડૂ’ વાસ્તવમાં સોનમ વાંગચુકના જીવન અને તેમની અદભુત શોધોથી પ્રેરિત હતું. આ ફિલ્મ રિલીઝ થયા બાદ તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. સોનમ વાંગચુક અગાઉ પણ અનેક સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવી ચૂક્યા છે. તેઓ ગત 28 June થી કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં અનશન પર બેઠા છે.



