નવી દિલ્હી: દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ હોસ્પિટલ પ્રશાસનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે જાહેરમાં જણાવ્યું છે કે, તેમની અથવા છેલ્લા ૨૦ દિવસથી વાંગચુકના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહેલા ડૉક્ટરોની લેખિત સંમતિ વિના સોનમ વાંગચુકને મોં દ્વારા (ઓરલી) કે નસ દ્વારા (ઇન્ટ્રાવેનસ – ગ્લુકોઝ વગેરે) કોઈ પણ પ્રકારની દવા કે ખોરાક આપવામાં ન આવે.
I am at Safdarjung hospital in Delhi where @Wangchuk66 has been admitted. Nothing should be administered to him orally or intravenous without take consent from me, his family and his doctors who have been monitoring his health for the past 20 days.
— Gitanjali J Angmo (@GitanjaliAngmo) July 18, 2026
શનિવારે સવારે દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે ગત ૨૮ જૂનથી ઉપવાસ પર બેઠેલા ૫૯ વર્ષીય વાંગચુકને બળપૂર્વક હટાવીને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેમના પત્નીએ આ પ્રતિક્રિયા આપી છે. ગીતાંજલિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું જ્યાં સોનમ વાંગચુકને દાખલ કરવામાં આવ્યા છે. મારી, તેમના પરિવારની અને છેલ્લા ૨૦ દિવસથી તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખતા ડૉક્ટરોની સંમતિ વિના તેમને કંઈ પણ ન આપવું જોઈએ.”
વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવાના પોલીસના નિર્ણય સામે સવાલ ઉઠાવતા તેમણે દાવો કર્યો હતો કે શુક્રવાર સુધી વાંગચુકની તબિયત સારી હતી. તેમણે ઉમેર્યું, “ગઈકાલે તેઓ એકદમ ઠીક હતા. તેમને હોસ્પિટલ લાવવાની કોઈ જરૂર નહોતી. બંધારણના આર્ટિકલ ૩૨ હેઠળ આ મારો અધિકાર છે. મારી અને અમારા ડૉક્ટરોની સંમતિ વિના તેમને કોઈ પણ સારવાર આપી શકાય નહીં.”
બીજી તરફ, દિલ્હી પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા X પર જણાવ્યું છે કે, દિલ્હી હાઈકોર્ટના આદેશોનું પાલન કરીને અને તબીબી નિષ્ણાતોની સલાહના આધારે વાંગચુકને “જરૂરી તબીબી સંભાળ” માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે દાવો કર્યો કે જ્યારે તેઓ હાઈકોર્ટના આદેશનું પાલન કરાવી રહ્યા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડી અફરાતફરી મચી હતી. જોકે, પોલીસે સંપૂર્ણ સંયમ જાળવીને આ કામગીરી સુરક્ષિત રીતે પૂરી કરી હતી. પોલીસે જંતર-મંતર પર હાજર અન્ય પ્રદર્શનકારીઓને પણ વહેલી તકે શાંતિપૂર્ણ રીતે જગ્યા ખાલી કરવા વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાત્રે સોનમ વાંગચુક પોતે જણાવ્યું હતું કે લાંબા ઉપવાસના કારણે તેમના શરીરનું વજન આશરે ૨૦ ટકા જેટલું ઘટી ગયું છે અને સ્થિતિ નાજુક હોવા છતાં તેઓ પોતાનો આ સત્યાગ્રહ ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.




