નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે 1980ની મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે નામ ઉમેરવાના આરોપસર દાખલ કરાયેલી રિવિઝન અરજીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મંજૂર કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ નીચલી મેજિસ્ટ્રેટ કોર્ટના તે આદેશને રદ કરી દીધો છે જેમાં સોનિયા ગાંધી સામે એફઆઈઆર (FIR) નોંધવાની માગ કરતી અરજી ફગાવી દેવામાં આવી હતી.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીને 30 એપ્રિલ, 1983ના રોજ ભારતનું નાગરિકત્વ મળ્યું હતું. તો પછી 1980ની નવી દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ કયા દસ્તાવેજોના આધારે અને કેવી રીતે સામેલ કરવામાં આવ્યું હતું? અરજીમાં એવો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું આ માટે કોઈ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 1982માં તેમનું નામ મતદાર યાદીમાંથી કેમ હટાવવામાં આવ્યું હતું.
સ્પેશિયલ જજે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટના અગાઉના આદેશમાં કાનૂની ક્ષતિઓ હતી. તેમાં નિર્ણય પાછળના સ્પષ્ટ કારણો આપવામાં આવ્યા ન હતા. કોર્ટે અરજદારને એફઆઈઆર નોંધવાની માગણી સાથે ફરીથી મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપી છે. આ કેસની આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરના રોજ યોજાશે.




