સોનિયા ગાંધીની આત્મકથા હવે હાર્પરકોલિન્સ ઇન્ડિયા કરશે પ્રકાશિત

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’નું પ્રકાશન હવે હાર્પરકોલિન્સ ઇન્ડિયા કરશે. અહેવાલમાં જણાવાયું હતું કે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા અને સોનિયા ગાંધી વચ્ચે તેમની પુસ્તકના પ્રકાશન અંગે ડીલ થઈ શકી નહોતી. તેના એક અઠવાડિયા બાદ હાર્પરકોલિન્સ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે સોનિયા ગાંધીનું આ પુસ્તક પ્રકાશિત કરશે.

 

પ્રકાશકે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ પુસ્તક ભારતમાં 10 નવેમ્બર, 2026એ પ્રકાશિત થશે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે આપણા સમયના સૌથી વધુ રાહ જોવાઈ રહેલાં રાજકીય સંસ્મરણોમાંથી એક ‘બિલોન્ગિંગ’ પ્રેમ, ઓળખ, કર્તવ્ય અને પોતાના હોવાની લાગણીની એક નાટકીય અને અત્યંત અંગત કહાની છે. આ પુસ્તક ભારતની સફર અંગેનો એક દુર્લભ આંતરિક દૃષ્ટિકોણ પણ રજૂ કરે છે.

કેટલાક સંપાદકીય ફેરફારો કરવા માગતું હતું પેંગ્વિન ઇન્ડિયા

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા આ પુસ્તકમાં કેટલાક સંપાદકીય ફેરફારો કરવા માગતું હતું. જોકે લેખિકાએ આ ફેરફારો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પેંગ્વિન ઇન્ડિયા આ પુસ્તકના પ્રકાશનમાંથી બહાર થયા બાદ ઘણા ભારતીય પ્રકાશકો તેની રેસમાં સામેલ થયા હતા. તે સમયે એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે હાર્પરકોલિન્સ ભારતમાં આ પુસ્તકના પ્રકાશનને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે.

સોનિયા ગાંધી અગાઉ પણ અનેક પુસ્તકો લખી અને સંપાદિત કરી ચૂક્યાં છે, પરંતુ આ પુસ્તક સાથે સંકળાયેલા લોકોના જણાવ્યાનુસાર તેમાં તેમના જીવનનો સૌથી અંગત અને મહત્વપૂર્ણ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. નોફે તેને વિશ્વની સૌથી પ્રભાવશાળી મહિલા નેતાઓમાંની એકની રસપ્રદ આત્મકથા ગણાવી છે.