સોનિયા ગાંધીની આત્મકથા પર વિવાદ : 1984ના રમખાણોમાં સૈન્ય તૈનાતીના દાવા સામે સવાલો

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તાજેતરમાં પ્રકાશિત થયેલી આત્મકથા ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ (Belonging: A Journey of Love)ને લઈને નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. પુસ્તકમાં 1984ની સાલમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ફાટી નીકળેલા શીખ વિરોધી તોફાનો અને સેનાની તૈનાતી અંગે કરવામાં આવેલા દાવાઓ પર અનેક સવાલો ઉભા થયા છે.પુસ્તકના પ્રકરણ 17માં સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે સેના તૈનાતીનો આદેશ 31 ઓક્ટોબર 1984ના રોજ જ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ સૈન્ય વડા જનરલ એ. એસ. વૈદ્યે નજીકની ટુકડીઓને ગતિશીલ ન કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે તેમાં શીખ સૈનિકો સામેલ હતા, જેનાથી પરિસ્થિતિ વણસી શકતી હતી. જોકે, ઇતિહાસકારો અને કાનૂની વિશેષજ્ઞોનું કહેવું છે કે 40 વર્ષ અગાઉ જસ્ટિસ રંગનાથ મિશ્રા આયોગ સમક્ષ રજૂ કરાયેલા તથ્યો અને ખુલાસાઓ આ દાવાઓથી વિપરીત છે. મિશ્રા આયોગના અહેવાલ મુજબ, દિલ્હીમાં સેના ઉપલબ્ધ હોવા છતાં તત્કાલીન સિવિલ પ્રશાસન (દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને પોલીસ કમિશનર) દ્વારા સમયસર સેનાની મદદ ન માંગવાને કારણે હિંસા રોકવામાં વિલંબ થયો હતો.

સોનિયા ગાંધીના આ દાવા સામે શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે આત્મકથા દ્વારા 1984ના રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકાને ‘વ્હાઇટવોશ’ (ધોઈ નાખવા) અને સૈન્ય વડા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 1984ના પીડિતો માટે કાનૂની લડાઈ લડનાર વકીલ એચ. એસ. ફૂલકાએ પણ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.