પપ્પુ યાદવ, રાહુલ ગાંધીથી SPએ અંતર બનાવ્યું

નવી દિલ્હીઃ સંસદ પરિસરમાં બિહારના પૂર્ણિયાથી નિર્દલીય સાંસદ પપ્પુ યાદવે ભગવાં વસ્ત્રો પહેરીને રામ મંદિરના દાનની ચોરી અંગે નાટ્યાત્મક પ્રદર્શન (નુક્કડ નાટક) કર્યું હતું. તેના પર સમાજવાદી પાર્ટી (SP)ના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પ્રદર્શનને ખોટું ગણાવતાં કહ્યું હતું કે રામ મંદિરમાં થયેલી ચોરી સાથે સંતોનો કોઈ સંબંધ નથી. SPના સાંસદે જણાવ્યું કે પપ્પુ યાદવે ખોટું કર્યું અને સંસદ પરિસરમાં આવું કરવું ન જોઈએ હતું. તેમણે ઉમેર્યું હતું કે સંતોનો ચંદાની ચોરી સાથે કોઈ સંબંધ નથી. નોંધનીય છે કે તાજેતરમાં સમાજવાદી પાર્ટીના કેટલાક સાંસદો પણ પપ્પુ યાદવ સાથે આ નાટ્યાત્મક પ્રદર્શનમાં જોડાયા હતા.

શુક્રવારે રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે ભગવા વસ્ત્રો પહેરીને સંસદ પરિસરમાં ‘મકર દ્વાર’ સામે અન્ય વિપક્ષી સાંસદો સાથે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાના નાણાંની કથિત ચોરી સામે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના અનેક સાંસદોએ દાનપેટીમાં રૂપિયા નાખ્યા હતા, જ્યારે પપ્પુ યાદવે કથિત ચોરીનું પ્રતીક દર્શાવવા માટે તે પૈસા પોતાની ખિસ્સામાં મૂકી દીધા હતા.

ભાજપે વિપક્ષ પાસે માફી માગવાની માગ કરી

ભાજપે આરોપ લગાવ્યો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને નિર્દલીય સાંસદ પપ્પુ યાદવે સંસદ પરિસરમાં આ નાટક કરીને હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ભાજપે જણાવ્યું કે બંનેએ આ માટે જાહેર માફી માગવી જોઈએ. જોકે પપ્પુ યાદવે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે અને કેટલીય FIR નોંધાય છતાં તેઓ ઝૂકશે નહીં.