‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીનું વિશેષ સન્માન

અમદાવાદ: ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા ‘નાગપુર જળસંવાદ – ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. નાગપુર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીનું સન્માન કરવામાં આવ્યું. તેમના વિશિષ્ટ સામાજિક કાર્યો અને જળ સંરક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ આ સન્માન કરવામાં આવ્યું છે. ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ સંસ્થા સામાજ કલ્યાણ અને જળ સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે.પૂર્તિ સિંચન સમૃદ્ધિ કલ્યાણકારી સંસ્થાના રજત જયંતી વર્ષ નિમિત્તે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મંચ પર દેશભરમાંથી જળ ક્ષેત્રે કામ કરતા 50 નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ખાસ અવસરે નીતિન ગડકરી ઉપરાંત દેશના જાણીતા અભિનેતા અને પાણી ફાઉન્ડેશનના સ્થાપક આમિર ખાન, નામ ફાઉન્ડેશનના પ્રમુખ અને અભિનેતા નાના પાટેકર, જાણીતા પર્યાવરણવિદ પદ્મભૂષણ ડૉ. અનિલ જોષી તેમજ પદ્મશ્રી ઉમાશંકર પાંડેજી જેવા રાષ્ટ્રીય ફલકના મહાનુભાવો ઉપસ્થિતિ રહી હતી.

આ સન્માન અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા ડો. મયુર જોષી જણાવ્યું કે, “આ સન્માન વ્યક્તિગત નથી, પરંતુ ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ની આખી ટીમ અને જળ સંરક્ષણના ભગીરથ કાર્ય સાથે જોડાયેલા દરેક સેવાભાવી વ્યક્તિનું સન્માન છે. આદરણીય નીતિન ગડકરીજી તેમજ આમિર ખાન, નાના પાટેકર અને પદ્મભૂષણ ડૉ. અનિલ જોષી જેવા સમાજના સાચા નાયકોની ઉપસ્થિતિમાં મળેલું આ પ્રોત્સાહન અમને દેશહિત અને સમાજ પ્રત્યેની અમારી જવાબદારીઓને વધુ વેગ સાથે નિભાવવા પ્રેરણા આપશે.”

 ડો. મયુર જોષી ૨૯ વર્ષથી ઉદગમ ટ્રસ્ટના સામાજિક કાર્યોમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શાસ્ત્રીય સંગીતના સંવર્ધન, જળ વ્યવસ્થાપન, પરંપરાગત જળ સ્ત્રોતોના પુનરુત્થાન અને હાલમાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન સાથે પર્યાવરણીય સુરક્ષા માટે ગ્રામીણ અને શહેરી સ્તરે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે.