કર્ણાટકમાં CM બદલવાની અટકળો ફરી તેજ

બેંગલુરુઃ કર્ણાટકમાં CM પદને લઈને ચાલી રહેલી ખેંચાતાણ ફરી એક વાર તેજ બની છે. ગુરુવારે CM સિદ્ધરમૈયાના સમર્થક ધારાસભ્યોને મંત્રી સતીશ જારકિહોલીના નિવાસસ્થાને રાત્રિભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં ઉપમુખ્ય મંત્રી ડી. કે. શિવકુમારે પણ રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં મંત્રી જી. પરમેશ્વર, એચ.સી. મહાદેવપ્પા, બી.ઝેડ. જામીર અહમદ ખાન, એમ.સી. સુધાકર તેમ જ ધારાસભ્યો એ.એસ. પોનન્ના અને નસીર અહમદ હાજર રહ્યા હતા. આ તમામ નેતાઓ સિદ્ધરમૈયાના નજીકના માનવામાં આવે છે.આ પહેલાં જારકિહોલીએ 17 ડિસેમ્બરની રાત્રે અહીં એક હોટેલમાં 30થી વધુ “સમાન વિચારધારા ધરાવતા” ધારાસભ્યોને રાત્રિભોજન માટે આમંત્રિત કર્યા હતા. જોકે 17 ડિસેમ્બરના રાત્રિભોજનમાં સિદ્ધારમૈયા હાજર રહ્યા ન હતા, પરંતુ તેમના પુત્ર અને એમએલસી યતીન્દ્ર સિદ્ધારમૈયા તેમ જ તેમના નજીકના ધારાસભ્ય કે.એન. રાજન્ના રાત્રિ ભોજનમાં સામેલ થયા હતા. જ્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે આ બેઠકમાં માત્ર કેટલાક જ લોકો હાજર હતા, ત્યારે શિવકુમારે કહ્યું હતું કે  હું એના પર ટિપ્પણી શા માટે કરું? તેઓ રાત્રિભોજન દરમિયાન મળ્યા. અમે બધા (બેલગાવી વિધાનસભા સત્ર માટે) અલગ-અલગ સ્થળોથી આવ્યા છીએ. જો બધા મળે તો તેમાં ખોટું શું છે?

રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન રાત્રિભોજન બેઠકોનો સિલસિલો ચાલુ છે. એક અઠવાડિયા પહેલાં 30થી વધુ કોંગ્રેસ ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓ બેલગાવીના બહારના વિસ્તારમાં રાત્રિભોજન દરમિયાન શિવકુમારને મળ્યા હતા. એક તરફ રાત્રિભોજનમાં હાજર રહેલા કેટલાક નેતાઓ આ બેઠકોને “સામાન્ય રાત્રિભોજન” ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાકે સંકેત આપ્યો છે કે શક્ય છે કે રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હોય.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના 20 નવેમ્બરે અઢી વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારથી રાજ્યમાં મુખ્ય મંત્રી બદલવાની અટકળો સતત ચાલી રહી છે. સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે 2023માં થયેલા “સત્તા-વહેંચણી” કરારથી આ અટકળોને વધુ બળ મળ્યું છે.