બોલરોએ ભારતને લીડ અપાવી; શૉ ફરી નિષ્ફળ

એડીલેડઃ ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (55 રનમાં કુલ ચાર વિકેટ) ઓસ્ટ્રેલિયાનું મિડલ ઓર્ડર તોડી નાખતા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ 40 રન આપીને 3 વિકેટ લેતા ભારત અહીં રમાતી પહેલી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયા પર 53-રનની લીડ મેળવવામાં સફળ થયું હતું. ભારતનો પહેલો દાવ આજે 244 રનમાં પૂરો થયા બાદ ભારતના બોલરોએ ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 191 રનમાં સમેટાવી દીધો હતો. દિવસને અંતે જોકે, ભારતને એક વિકેટ ગુમાવવી પડી હતી. પહેલા દાવમાં ઝીરો પર આઉટ થનાર ઓપનર પૃથ્વી શૉ બીજા દાવમાં માત્ર 4 રન કરીને આઉટ થઈ ગયો હતો. મયંક અગ્રવાલ સાથે જસપ્રિત બુમરાહ નાઈટ-વોચમેન તરીકે જોડાયો હતો.

અગાઉ, ઓસ્ટ્રેલિયાના દાવમાં કેપ્ટન અને વિકેટકીપર ટીમ પેન 73 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. માર્નસ લેબુશેને 47 રન કરીને ભારતના બોલરોને લડત આપી હતી. બુમરાહે 52 રનના ખર્ચે બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ એક સમયે 92 રનમાં જ પાંચ વિકેટ ખોઈ દીધી હતી. બુમરાહે બે કેચ અને શૉએ એક કેચ પડતો મૂક્યો ન હોત તો ઓસ્ટ્રેલિયાની હાલત વધારે ખરાબ થઈ ગઈ હોત. સવારે, ભારતનો 6 વિકેટે 233 રનનો ગઈ કાલનો અધૂરો દાવ વધુ 11 રન બાદ પૂરો થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 53 રનમાં 4 વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર પેટ કમિન્સે બે, જોશ હેઝલવૂડ અને નેથન લિયોંએ એક-એક વિકેટ લીધી હતી.