એશિયન ગેમ્સ 2026ની બીજી સેમિફાઈનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ઓપનર શફાલી વર્માનું ભયાનક તોફાન જોવા મળ્યું હતું. બાંગ્લાદેશ સામેની આ મહત્વપૂર્ણ મેચમાં શફાલીએ વિસ્ફોટક બેટિંગ કરતા 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ શાનદાર ઈનિંગના બળે ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 195 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.

એશિયન ગેમ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા બેટ્સમેન
બાંગ્લાદેશના બોલરો સામે આક્રમક વલણ અપનાવતા શફાલી વર્મા 49 બોલમાં 100 રન બનાવીને અણનમ રહી હતી. મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ શફાલીની પ્રથમ સદી છે. આ સાથે જ તે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સદી ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા બેટ્સમેન બની ગઈ છે.

હરમનપ્રીત કૌરના સૌથી ઝડપી શતકના રેકોર્ડની બરાબરી
49 બોલમાં પોતાની સદી પૂરી કરીને શફાલીએ ભારત તરફથી મહિલા T20I માં સૌથી ઝડપી સદી ફટકારવાના હરમનપ્રીત કૌરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હરમનપ્રીત કૌરે વર્ષ 2018માં ન્યૂઝીલેન્ડ સામે 49 બોલમાં શતક ફટકાર્યું હતું.
સૌથી વધુ સિક્સર ફટકારવામાં સ્મૃતિ મંધાનાને પછાડી નંબર 1 બની
પોતાની આ યાદગાર શતકીય ઈનિંગ દરમિયાન શફાલીએ ચોગ્ગા કરતાં ત્રણ ગણા વધુ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા માર્યા હતા. આ સાથે જ તેણે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારવાનો સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સ્મૃતિ મંધાનાના નામે T20I માં 100 છગ્ગાનો રેકોર્ડ હતો, જ્યારે શફાલી વર્માના નામે હવે 104 છગ્ગા નોંધાઈ ચૂક્યા છે અને તે આ યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે.




