બોલેન્ડે ડેબ્યુ-મેચમાં ઓસ્ટ્રેલિયાને જિતાડ્યું: 34-વાર સિરીઝ પર કબજો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક એશિઝ સિરીઝ પર કબજો જમાવ્યો છે. એ સાથે કાંગારુ ટીમે 34મી વાર એશિઝ સિરીઝ જીતી છે. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે શરમજનક હાર ખમવી પડી હતી. એશિઝ સિરીઝમાં કાંગારુઓએ 3-0થી જીત હાંસલ કરી છે. અંગ્રેજોને માત્ર 68 રનમા પેવેલિયન ભેગા કર્યા પછી એક ઇનિંગ્સ અને 14 રનથી કચડવામાં ઓસ્ટ્રેલિયાના એક આદિવાસી ક્રિકેટરની મોટી ભૂમિકા રહી છે.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર સ્કોટ બોલેન્ડે ચાર ઓવરમાં સાત રન આપીને છ વિકેટ ખેરવી હતી. વળી, એ બોલેન્ડની ડેબ્યુ મેચ હતી. બોક્સિંગ ડે પહેલાં હેઝલવુડ ઇજાગ્રસ્ત થતાં બોલેન્ડને રમવાની તક મળી હતી. તે ટીમમાં તો પસંદ થતો હતો, પણ પ્લેઇંગ 11માં નહોતો રમી શકતો.

સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયાનો મૂળ રહેવાસી છે, તે જેસન ગિલેસ્પી પછી ટેસ્ટ ક્રિકેટ ટીંમમાં સામેલ થનાર બીજો આદિવાસી ક્રિકેટર છે. તે આવી શાનદાર રમત દાખવનાર ચોથો ક્રિકેટર છે. મહિલા ક્રિકેટર્સમાં થોમસ અને એશ્લેધ ગાર્ડનર આવું રમનાર મહિલા ક્રિકેટર્સ છે,ગાર્ડનર હજી પણ મહિલા ટીમમાંથી રમી રહી છે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ આમ તો સ્કોટ બોલેન્ડનું હોમ ગ્રાઉન્ડ છે. વિક્ટોરિયાના આ ક્રિકેટરે પ્રથમ શ્રેણીની 27 મેચોમાં 25.56ની સરેરાશ સાથે 96 વિકેટ લીધી છે. શેફીલ્ડ શીલ્ડમાં 10.80ની સરેરાશથી તેણે 15 વિકેટ લીધી હતી. જોકે તે 2011-12 સીઝનમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કરનાર બોલેન્ડ 2016માં જોરદાર ફોર્મમાં હતો.