આર્મી ટ્રેનિંગ માટે ધોની જમ્મુ-કશ્મીર જશે; ત્રાસવાદ-વિરોધી કામગીરીઓમાં હિસ્સો નહીં લે

જમ્મુ – ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય આર્મીના માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે. ધોની બે મહિના સુધી આર્મીની ટ્રેનિંગ લેવાનો છે. આ તાલીમ તે જમ્મુ-કશ્મીરમાં લેવાનો છે. એ માટે તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનાર ભારતીય ટીમમાંથી પોતાને બાકાત રાખવામાં આવે એવી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને વિનંતી કરી હતી, જે માન્ય રાખવામાં આવી છે.

કશ્મીરમાં ધોની ભારતીય લશ્કરની કોઈ ત્રાસવાદ-વિરોધી કામગીરીઓનો હિસ્સો નહીં બને કે સક્રિય ફરજ નહીં બજાવે. એ માત્ર સૈનિકો સાથે તાલીમ જ લશે.

ધોનીએ અગાઉ ભારતીય લશ્કરી સત્તાવાળાઓને લેખિતમાં વિનંતી કરી હતી કે એને બે મહિનાનો સમય તેની પેરેશૂટ રેજિમેન્ટ નામની બટાલિયન સાથે વિતાવવો છે. આ બટાલિયનને હાલ કશ્મીર ખીણમાં તહેનાત કરવામાં આવી છે.

ભારતના લશ્કરી વડા જનરલ બિપીન રાવતે ધોનીની વિનંતીને મંજૂર રાખી છે.

દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ 3 ઓગસ્ટથી 3 સપ્ટેંબર સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે જ્યાં તે બે ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે.