ODI વિશ્વવિજેતા ઈંગ્લેન્ડનો શરમજનક ધબડકોઃ ટેસ્ટ દાવમાં 85 રનમાં ઓલઆઉટ

લંડન – હજી 10 દિવસ પહેલાં જ અહીંના લોર્ડ્સ મેદાન પર જે ન્યૂઝીલેન્ડને હરાવીને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી તે ઈંગ્લેન્ડની ટીમનો આજે અહીં આયરલેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં નામોશીભર્યો ધબડકો થયો છે. ટેસ્ટમાં પોતાના પહેલા દાવમાં ઈંગ્લેન્ડ ટીમ માત્ર 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડની આ ટીમમાં જો રૂટ સહિત વર્લ્ડ કપ વિજેતા ટીમના પાંચ ખેલાડીઓ સામેલ છે, તે છતાં આયરલેન્ડ સામે એને આ નામોશી જોવી પડી છે. જો રૂટ આ મેચમાં કેપ્ટન છે. એણે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી, પણ એની ટીમ લંચ પડે એ પહેલા જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આયરલેન્ડના ફાસ્ટ બોલર ટીમ મુર્તઘે પાંચ વિકેટ લેતાં ઈંગ્લેન્ડનો નાટ્યાત્મક રીતે ધબડકો થયો હતો.

ઈંગ્લેન્ડની ટીમ માત્ર 23.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુર્તઘ, જે મિડલસેક્સ વતી કાઉન્ટી ક્રિકેટમાં રમે છે, એણે 9 ઓવરમાં 13 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

ક્રિકેટના કાશી ગણાતા લોર્ડ્સ મેદાન પર આયરલેન્ડ તેની આ પહેલી જ ટેસ્ટ મેચ રમી રહ્યું છે એને એણે આ રીતે સનસનાટીભર્યો સ્ટાર કર્યો છે.

ટીમ મુર્તઘ 37 વર્ષનો છે અને ટેસ્ટ મેચના દાવમાં પાંચ વિકેટ લેનાર આયરલેન્ડનો પહેલો જ બોલર બન્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં આયરલેન્ડની આ માત્ર ત્રીજી જ મેચ છે. આયરલેન્ડના માર્ક એડરે 3 અને બોઈડ રેન્કીને બે વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડનો ટોપ સ્કોરર રહ્યો હતો જો ડેન્લી, જેણે 23 રન કર્યા હતા. ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરના મોટા ભાગના બેટ્સમેનો બેવડા આંકે પહોંચી શક્યા નહોતા. રોરી જોસેફ બર્ન્સ 6 રન, જેસન રોય 5, જો રૂટ 2, જોની બેરસ્ટો ઝીરો, મોઈન અલી ઝીરો, ક્રિસ વોક્સ ઝીરો પર આઉટ થયો હતો. સ્ટુઅર્ટ બ્રોડે 3, પૂંછડિયાઓ – સેમ કરને 18 અને ઓલી સ્ટોને 19 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડ માટે આ બેટિંગ ધબડકો ટીમ માટે ચિંતા કરાવનારો છે, કારણ કે આવતા અઠવાડિયાથી ઈંગ્લેન્ડ એશિઝ સીરિઝ શરૂ કરવાની છે. ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ મેચના દાવમાં એક જ સત્રમાં તમામ 10 વિકેટ ખોઈ દીધી હોય એવું છેલ્લા ત્રણ વર્ષમાં આ ત્રીજી વાર એવું બન્યું છે.

ઘરઆંગણે ટેસ્ટ મેચના દાવમાં ઈંગ્લેન્ડનો આ બીજા નંબરનો સૌથી નીચો જુમલો છે. 1997માં ઓસ્ટ્રેલિયા સામે લોર્ડ્સ મેદાન પર જ તે 77 રનમાં ઓલઆઉટ થયું હતું. એ જ રીતે હજી આ જ વર્ષના જાન્યુઆરીમાં બાર્બેડોસમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ તે 77 રનમાં ઓલઆઉટ થયું હતું.