વાનખેડે સ્ટેડિયમમાં 2020 પછી પહેલી વાર મોટું ક્રાઉડ જોવા મળ્યું

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે બપોરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3-મેચોની શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમનું સુકાનીપદ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમને એકદમ નવો ઓપ આપવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં દર્શકો ખાસ્સી એવી મોટી સંખ્યામાં આવ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અંદાજ મુજબ 20,000 જેટલા લોકો મેચ જોવા આવ્યા છે. સ્ટેડિયમની ક્ષમતા 33,000 દર્શકોને સમાવવાની છે.

વાનખેડે સ્ટેડિયમમાં ત્રણ વર્ષ પછી આ પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ યોજાઈ છે. 2020ના જાન્યુઆરી બાદ આ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવ્યા  છે. છેલ્લે, 2020ની 14 જાન્યુઆરીએ આ મેદાન પર આ જ બે દેશની ટીમ ટકરાઈ હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10-વિકેટથી પરાજય આપ્યો હતો.

આજની મેચ જોવા માટે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત, બોલીવુડ અભિનેતા અજય દેવગન, મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસ તથા અન્ય જાણીતી હસ્તીઓ આવી હતી. સ્ટેડિયમમાં ટિકિટના દર રૂ. 2,000 અને 2,500 જેટલા રાખવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા 188 રનમાં ઓલઆઉટ

સ્ટીવન સ્મીથે ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 35.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર મિચેલ માર્શે સૌથી વધારે – 81 રન કર્યા હતા. એના 65 બોલના દાવમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સ્મીથ 22 રન કરીને હાર્દિક પંડ્યાની બોલિંગમાં આઉટ થયો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 17 રનમાં 3, અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 29 રનમાં 3, ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 2, હાર્દિક પંડ્યા અને ડાબોડી ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી છે.