સ્મૃતિ, ઝુલનનાં દેખાવનાં જોરે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી

માઉન્ટ મોન્ગાનુઈ – અહીંના બૅ ઓવલ મેદાન ખાતે આજે રમાઈ ગયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 8-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને સીરિઝ પોતાનાં કબજામાં લઈ લીધી છે.

ભારતની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીત્યો હતો અને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 44.2 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં, ભારતે જેમીમા રોડ્રિગ્સ (0) અને દીપ્તી શર્મા (8)ની વિકેટ ગુમાવીને 35.2 ઓવરમાં 166 રન કરીને મેચ જીતી લીધી હતી.

ઓપનિંગ બેટ્સવુમન સ્મૃતિ મંધાના 90 રન કરીને નોટઆઉટ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. કેપ્ટન મિતાલી 63 રન કરીને નોટઆઉટ રહી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 151 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

અગાઉ, ન્યૂઝીલેન્ડનાં દાવમાં સુકાની એમી સેટરવ્હાઈટ 71 રન કરીને ટોપ સ્કોરર રહી હતી. એનાં સિવાય બીજી કોઈ ખેલાડીનો દેખાવ નોંધનીય રહ્યો નહોતો. ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ 8.2 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. એક્તા બિષ્ટ, દીપ્તી શર્મા અને પૂનમ યાદવે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી. શિખા પાંડેએ એક ખેલાડીને આઉટ કરી હતી.

ત્રીજી અને સીરિઝની આખરી વન-ડે મેચ 1 ફેબ્રુઆરીએ હેમિલ્ટનના સીડોન પાર્કમાં રમાશે.

ઝુલન ગોસ્વામી








સ્મૃતિ મંધાના


સ્મૃતિ મંધાના




કેપ્ટન મિતાલી રાજ