શ્રીલંકાના ક્રિકેટરોએ હવાના પ્રદૂષણની ફરિયાદ કરી રમત અટકાવી

નવી દિલ્હી – અહીંના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાતી બીજી ટેસ્ટ મેચમાં આજે બીજો દિવસ હતો. શ્રીલંકાની ટીમે ઝાંખા પ્રકાશની ફરિયાદ કરીને ભારતના પહેલા દાવ વખતે રમત અટકાવી હતી. હવાના પ્રદૂષણને કારણે બદનામ થયેલા ભારતના પાટનગર નવી દિલ્હીમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ વખતે આ પ્રકારની આ પહેલી જ વાર ફરિયાદ કરાઈ છે.

લંચ બાદના સત્રમાં ભારતનો દાવ ચાલુ હતો ત્યારે શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંડીમલે ગંભીર પ્રદૂષણની ફરિયાદ કરીને પેવિલિયનમાં પાછા ફરવાનું અમ્પાયરોને જણાવ્યું હતું. એને કારણે રમત 17 મિનિટ સુધી અટકી હતી.

લંચ બાદની રમત વખતે શ્રીલંકાના ખેલાડીઓ એમના ચહેરા પર એન્ટી-પોલ્યૂશન માસ્ક પહેરીને રમ્યા હતા. રમત પહેલાં બપોરે 12.32 વાગ્યાથી લઈને 12.49 વાગ્યા સુધી અટકી હતી. શ્રીલંકાના કેપ્ટનની ફરિયાદને પગલે અમ્પાયરો અને મેચ રેફરી ડેવીડ બૂને રમત ચાલુ રાખવા શ્રીલંકાના ખેલાડીઓને સમજાવ્યા હતા.

તે છતાં થોડીક વાર પછી ફરી શ્રીલંકાની ટીમે રમત અટકાવી હતી અને સુરંગા લકમલ એની ઓવરનો પાંચમો બોલ નાખ્યા બાદ પેવિલિયનમાં જતો રહ્યો હતો. ત્યારે અમ્પાયરોએ ચાંડીમલ અને એન્જેલો મેથ્યૂસ સાથે વાતચીત કરી હતી. શ્રીલંકાના ટીમ મેનેજર અસાંકા ગુરુસિન્હા અને ભારતીય ટીમને કોચ રવિ શાસ્ત્રી મેદાનમાં આવ્યા હતા.

ત્યારબાદ દિલરુવાન પરેરાએ લકમલની અધૂરી ઓવર પૂરી કરી હતી. તે પછીની ઓવર સ્પિનર લક્ષણ સાંદકને ફેંકી હતી અને ચાંડીમલે ફરી રમત અટકાવી હતી અને કહ્યું હતું કે મેદાન પર તેની ટીમના 10 જ ખેલાડીઓ છે.

શ્રીલંકાના ખેલાડીઓના અવરોધને કારણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની એકાગ્રતામાં ભંગ થયો હતો અને તે વ્યક્તિગત 243 રનના સ્કોર પર આઉટ થયો હતો.

છેવટે, શ્રીલંકાના ખેલાડીઓનું નાટક ચાલુ રહેતાં રોષે ભરાયેલા કોહલીએ ભારતનો પહેલો દાવ 7 વિકેટે 536 રને ડિકલેર કર્યો હતો. એ વખતે રિદ્ધિમાન સહા 9 રન અને રવિન્દ્ર જાડેજા પાંચ રન સાથે દાવમાં હતો.

બીજા દિવસની રમતને અંતે શ્રીલંકાએ તેના પહેલા દાવમાં 3 વિકેટના ભોગે 131 રન કર્યા હતા. એન્જેલો મેથ્યૂસ 57 રન અને કેપ્ટન દિનેશ ચાંડીમલ 25 રન કરીને દાવમાં હતો. બંને વચ્ચે અત્યાર સુધીમાં 56 રનની ભાગીદારી કરી છે.

શ્રીલંકાએ દાવના પહેલા જ બોલે પહેલી વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ શમીની બોલિંગમાં દિમૂઠ કરૂણારત્ને વિકેટકીપર સહાના ગ્લોવ્ઝમાં ઝીલાઈ ગયો હતો. 14 રનના સ્કોર પર ધનંજ ડી સિલ્વાને ઈશાંત શર્માએ લેગબીફોર આઉટ કર્યો હતો. દિલરુવાન પરેરાએ 42 રન કર્યા હતા અને 75 રનના સ્કોર પર રવિન્દ્ર જાડેજાએ એને લેગબીફોર આઉટ કર્યો હતો.

ત્રણ મેચોની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે.

કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આજે ભારતે ગઈ કાલના નોટઆઉટ બેટ્સમેન રોહિત શર્માને (65)ને 500ના સ્કોર પર ગુમાવ્યો હતો. અશ્વિન માત્ર 4 રન કરી શક્યો હતો અને કોહલીની વિકેટ 523 રનના સ્કોર પર પડી હતી.