ચેન્નઈઃ દેશના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિષ્નામાચારી શ્રીકાંતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) મેનેજમેન્ટ પર તીખો હુમલો કર્યો છે. તેમણે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, કોચ સ્ટીફન ફ્લેમિંગ અને ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ પર આરોપ લગાવ્યો હતો કે આખી સીઝન દરમિયાન એમ. એસ. ધોની (MS Dhoni)ની વાપસી અંગે ચાહકોને ભ્રમમાં રાખવામાં આવ્યા. હકીકતમાં સોશિયલ મિડિયા પર ‘MS Dhoni Scam’ ટોપિક ખૂબ ચર્ચામાં છે. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વારંવાર ધોનીની વાપસીના સંકેતો આપી ચાહકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર કેએસ શ્રીકાંતે પણ એ જ વાત દોહરાવી કે મેનેજમેન્ટ સતત ધોનીના ટ્રેનિંગના વિડિયો અને તસવીરો શેર કરતું રહ્યું, જેથી લોકોમાં તેમની વાપસીની આશા જીવંત રહે.
ચાહકોને ગેરમાર્ગે દોરાયા
તેમની યુટ્યુબ ચેનલ પર કેએસ શ્રીકાંતે કહ્યું હતું કે સીઝન શરૂ થવા પહેલાં જણાવાયું હતું કે ધોનીને પગમાં ઇજા છે અને તે ટૂંક સમયમાં વાપસી કરશે. ગાયકવાડ અને કોચ પણ સતત એક જ વાત કરતા રહ્યા કે ધોની આગામી મેચમાં ઉપલબ્ધ થઈ શકે છે. દરેક મેચ પહેલાં ટ્રેનિંગનો વિડિયો જાહેર કરવામાં આવતો, જેથી ચાહકોને લાગે કે ધોની સંપૂર્ણ ફિટ છે અને રમવા માટે તૈયાર છે.
ગઈ કાલે ગુરુવારે GTએ CSKને હરાવ્યું હતું. તે મેચ બાદ ગાયકવાડને એમએસ ધોની વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ગાયકવાડે કહ્યું હતું કે ધોની આગામી સીઝનમાં રમશે કે નહીં તે આવતા વર્ષે જ ખબર પડશે. ગાયકવાડના આ નિવેદન પર પણ શ્રીકાંત ભારે નારાજ થયા હતા.
જ્યારે રમવાનું જ નહોતું તો…
શ્રીકાંતે કડક શબ્દોમાં CSK મેનેજમેન્ટ પર આરોપ લગાવતા કહ્યું કે ચાહકોને ભ્રમિત કરવાનું હવે બંધ કરવું જોઈએ. દિગ્ગજ ક્રિકેટરે આગળ કહ્યું કે જો ધોની આખી સીઝન રમવાનો જ નહોતો તો તેની માહિતી પહેલેથી જ આપી દેવી જોઈએ હતી, જેથી ચાહકો માનસિક રીતે તેના માટે તૈયાર રહી શકે.




