સ્ટાલિનનો પરાજય: રજનીકાંતે દુઃખમાં સાથ આપ્યો

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના આઘાતજનક પરિણામો બાદ રાજ્યમાં નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે. દાયકાઓથી સત્તા પર રહેલી DMK ની કારમી હાર બાદ એમ. કે. સ્ટાલિનને મળવા સુપરસ્ટાર રજનીકાંત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે. બીજી તરફ, 108 બેઠકો જીતનાર વિજયની પાર્ટી TVK હવે કોંગ્રેસના સમર્થન સાથે ગઠબંધન સરકાર બનાવવાની તૈયારીમાં છે, જેમના શપથ ગ્રહણ 7 May ના રોજ યોજાઈ શકે છે.

તમિલનાડુના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી જે ઉથલપાથલ જોવા મળી રહી છે, તેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેતામાંથી નેતા બનેલા થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) એ પોતાના પ્રથમ જ ચૂંટણી જંગમાં પરંપરાગત પક્ષોના મૂળિયા હલાવી દીધા છે. આ જીતનો સૌથી મોટો ફટકો સત્તાધારી પક્ષ DMK અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને પડ્યો છે. 2021 માં 133 બેઠકો સાથે સત્તા પર આવનાર DMK આ વખતે માત્ર 59 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ હાર એટલી આકરી હતી કે ખુદ એમ. કે. સ્ટાલિન પોતાની પરંપરાગત બેઠક કોલાથુર પરથી TVK ના ઉમેદવાર વી. એસ. બાબુ સામે હારી ગયા છે. આ પરાજયને કારણે હવે સ્ટાલિને મુખ્યમંત્રી પદ છોડવાની સાથે વિપક્ષના નેતા પદની તક પણ ગુમાવી દીધી છે.

સ્ટાલિનની આ કપરી સ્થિતિમાં તેમના જુના મિત્ર અને સુપરસ્ટાર રજનીકાંત તેમની વહારે આવ્યા છે. સોશિયલ મીડિયા પર રજનીકાંતની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ સ્ટાલિનના ઘરે તેમની સામે બેસીને વાતચીત કરતા જોવા મળે છે. આ મુલાકાતને માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ એક મજબૂત રાજકીય સમર્થન તરીકે જોવામાં આવી રહી છે. રજનીકાંતનો સ્ટાલિન અને DMK પ્રત્યેનો પ્રેમ નવો નથી. 1995 ના વર્ષથી રજનીકાંત અનેક પ્રસંગોએ DMK ને ટેકો આપી ચુક્યા છે. 1998 ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે DMK ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. જોકે રજનીકાંતે પોતે 2021 માં સ્વાસ્થ્યના કારણોસર રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય પડતો મૂક્યો હતો, પરંતુ તેમની આ મુલાકાત દર્શાવે છે કે તેઓ હજુ પણ રાજ્યની રાજનીતિમાં સક્રિય રસ ધરાવે છે.

બીજી તરફ, વિજયના નેતૃત્વમાં TVK કેમ્પમાં વિજયનો ઉત્સવ અને સરકાર બનાવવાની કવાયત જોરશોરથી ચાલી રહી છે. TVK એ 108 બેઠકો જીતીને બહુમતીના આંકડાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય હવે કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવા માટે અંતિમ તબક્કાની ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસે પહેલેથી જ વિજયને શરતી ટેકો જાહેર કરી દીધો છે, જેનાથી વિજયનો સત્તાનો માર્ગ મોકળો થયો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, બધું આયોજન મુજબ ચાલશે તો 7 May ના રોજ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે 9 કેબિનેટ મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે રજનીકાંતની સ્ટાલિન સાથેની આ મુલાકાત વિજય માટે એક આડકતરો સંદેશ પણ હોઈ શકે છે. રજનીકાંત ભલે સક્રિય રાજકારણમાં નથી, પરંતુ તેમનો પ્રભાવ હજુ પણ લાખો ચાહકો પર છે. વિજય જે રીતે ‘નવી પેઢીના પરિવર્તન’ તરીકે ઉભરી આવ્યા છે, તેની સામે રજનીકાંતનું સ્ટાલિન સાથે ઉભા રહેવું એ જૂની અને નવી પેઢીના રાજકીય સંઘર્ષ જેવું લાગે છે. હવે જોવાનું એ રહેશે કે વિજયની સરકાર કયા પ્રકારના સુધારા લાવે છે અને શું સ્ટાલિન આગામી વર્ષોમાં ફરીથી પોતાની પાર્ટીને બેઠી કરી શકે છે કે નહીં. તમિલનાડુની જનતા માટે આ ખરેખર એક ઐતિહાસિક પળ છે જ્યાં એક સિનેમાનો સુપરસ્ટાર વાસ્તવિક જીવનનો હીરો બનીને શાસન સંભાળવા જઈ રહ્યો છે.