બંદૂકની અણીએ રાષ્ટ્રગીત માટે ઊભા કરવું દુર્ભાગ્યપૂર્ણઃ મહેબૂબા મુફ્તીનો આરોપ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નાં વડાં મહેબૂબા મુફ્તીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં લોકોને ‘બંદૂકના બળે’ રાષ્ટ્રગાન માટે ઊભા થવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમણે ભાજપ પર આવા આક્ષેપ કરીને મોટો વિવાદ ઊભો કર્યો છે.

તેમણે કહ્યું હતું કે લોકો રાષ્ટ્રગાન દરમિયાન ઊભા નથી થતાં એ સરકારની નિષ્ફળતા છે. રાજ્યના 30 સપ્ટેમ્બર)ની સાંજે TRC ફૂટબોલ મેદાનમાં રાષ્ટ્રગાન વગાડતી વખતે બેઠેલા ડઝનો યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

મહેબૂબા મુફ્તીએ શહેરના બગાટ વિસ્તારમાં કહ્યું  હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ બંદૂકના બળે રાષ્ટ્રગાન માટે ઊભા થવા મજબૂર કરે છે. મને મારું વિદ્યાર્થી જીવન યાદ છે, જ્યારે પણ રાષ્ટ્રગાન વાગતું, અમે તેના સન્માનમાં ઊભા થતા હતા. કોઈ જબરદસ્તી નહોતી થતી. આ તેમની નિષ્ફળતા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મંગળવારની સાંજે શ્રીનગરમાં યોજાયેલા પોલીસ શહીદ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 15 દર્શકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, કારણ કે તેઓ કથિત રીતે રાષ્ટ્રગાન દરમિયાન ઊભા રહ્યા નહોતા.

તેમનો દાવો છે કે દર્શકોને રાષ્ટ્રગાન શરૂ થયું તેનું ધ્યાન જ ન રહ્યું. પોલીસ શહીદ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ, જેમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પણ હાજર રહ્યા હતા, શ્રીનગરના ટી.આર.સી. સ્થિત સિન્થેટિક ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાઈ હતી.

રાષ્ટ્રગાન દરમિયાન ઊભા રહેવાના પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971 રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ધ્વજનો જાણીબૂજીને અનાદર કરવા પર પ્રતિબંધ મૂકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.