રાજ્યોને કોમર્શિયલ ગેસનો 10 ટકા વધારાનો ક્વોટા મળશેઃ સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને 10 ટકા વધારાનો LPG ક્વોટા આપવાનો નિર્ણય કર્યો છે, જેથી વધતી માગ અને સપ્લાય વચ્ચે સંતુલન જાળવી શકાય. આ પગલાથી ખાસ કરીને હોટેલ, રેસ્ટોરાં અને નાના વ્યવસાયોને રાહત મળવાની આશા છે, જે લાંબા સમયથી ગેસની ઉપલબ્ધતા અને ભાવને લઈને પરેશાન હતા.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની સ્થિતિ “હજુ પણ ચિંતાજનક” છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને (UTs) કોમર્શિયલ LPGનું 10 ટકા વધારાની ફાળવણી આપવાની ઓફર કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે LPGની સ્થિતિ હજુ ચિંતાજનક છે. ઓનલાઇન બુકિંગમાં સુધારો થયો છે, પરંતુ ડિસ્ટ્રિબ્યુટરો પાસે હજુ લાંબી લાઇનો જોવા મળી રહી છે. 

“સહાયતા ફ્રેમવર્ક” હેઠળ મોટું પગલું

કોમર્શિયલ LPG સપ્લાય સુધારવા અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે “સહાયતા ફ્રેમવર્ક” હેઠળ મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ યોજના હેઠળ રાજ્યોને વધારાની કોમર્શિયલ LPG ફાળવણી વિવિધ સુધારાત્મક પગલાંને આધારે આપવામાં આવશે.

સરકાર મુજબ, જે રાજ્યો CGD સંબંધિત અરજીઓને મંજૂરી આપશે અને ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સમિતિઓ બનાવશે, તેમને 10 ટકા વધારાની LPG ફાળવણી મળશે.

આ રાજ્યોને મળશે 2 ટકા વધારાની ફાળવણી

એ ઉપરાંત સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટને ઝડપી બનાવવાના હેતુથી “ડીમ્ડ CGD મંજૂરીઓ” આપવાના આદેશ બહાર પાડનારા રાજ્યોને 2 ટકા વધારાની ફાળવણી આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે “ડિગ એન્ડ રિસ્ટોર સ્કીમ” અમલમાં મૂકનારા રાજ્યોને 3 ટકા વધારાની LPG સપ્લાય મળશે, જેથી પાઇપલાઇન બિછાવટ અને મરામત દરમિયાન આવતી અડચણો ઘટે.

જ્યારે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ માટે વાર્ષિક ભાડા અથવા લીઝ ચાર્જમાં ઘટાડો કરનાર રાજ્યોને 4 ટકા વધારાની LPG ફાળવણી આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ ફ્રેમવર્કથી ગેસ સપ્લાય વ્યવસ્થામાં સુધારો થશે અને વ્યવસાયો તેમ જ ગ્રાહકોને વધુ સારી સેવાઓ મળશે.