હાઈવેની હોટેલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓ પર રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

ગાંધીનગર: રાજ્યના નાગરિકો અને મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ તથા આરોગ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે કડક પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬’ હેઠળ ૧૯ નવેમ્બર, ૨૦૨૬થી સમગ્ર રાજ્યમાં “ઓપરેશન હેલ્થ” વિશેષ તપાસણી ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.આ ઝુંબેશ અંતર્ગત નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે કોરિડોર પર આવેલી તમામ હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ઢાબા અને ફૂડ સર્વિસ સંબંધિત એકમોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓના ડેઝિગ્નેટેડ ઓફિસરોને ખાસ આદેશો જારી કરાયા છે અને હાઈવે પરના એકમોનું ચેકિંગ સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ કરાશે. તપાસણીમાં પારદર્શિતા જાળવવા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા FoSCoS (Food Safety Compliance System) પોર્ટલ મારફતે ઓનલાઈન ઈન્સ્પેક્શન કરવામાં આવશે.

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સૂચના આપી છે કે ખાદ્ય એકમોના રસોઈયા અને કર્મચારીઓ માટે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા તેમજ રસોડા અને પરિસરમાં ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા જાળવવી ફરજિયાત રહેશે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવા ઉપરાંત ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ કરાશે. ફૂડ સેફ્ટી એક્ટના ‘શિડ્યુલ-૪’ ના નિયમોનો ભંગ કરનારા એકમો સામે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ, લાયસન્સ સસ્પેન્ડ કરવા કે કાયમી રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.