બાકી રહી ગયેલા મતદારોની નોંધણી માટે રાજ્યવ્યાપી ઝુંબેશ : વિશેષ કેમ્પ યોજાશે

ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ હવે સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા હેઠળ મતદારયાદીમાં નામ નોંધણીથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ ૧૮-૧૯ વર્ષના પ્રથમ વખતના પાત્ર યુવા મતદારો માટે રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ (Special Drive) હાથ ધરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને આ ઝુંબેશના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

નાગરિકોની સુવિધા માટે નવેમ્બર અને ડિસેમ્બર માસના ત્રણ રવિવાર—તા. ૨૯/૧૧/૨૦૨૬, તા. ૦૬/૧૨/૨૦૨૬ અને તા. ૧૩/૧૨/૨૦૨૬ના રોજ રાજ્યના તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ડેઝીગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસર (BLO) મતદાન મથકો પર હાજર રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.

‘મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦’ મુજબ પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ માત્ર ફોર્મ-૬ ભરીને મતદારયાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકશે. ખાસ કરીને તા. ૦૧/૦૧/૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા યુવા મતદારો ઉપરાંત વર્ષ ૨૦૨૭ ની આગામી ત્રણ લાયકાતની તારીખો એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૭, ૦૧/૦૭/૨૦૨૭ અને ૦૧/૧૦/૨૦૨૭ ના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ભાવિ મતદારો પણ એડવાન્સ અરજી કરી શકશે.

આ ખાસ ઝુંબેશની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સુપરવાઈઝરો દ્વારા મતદાન મથકોની સતત મુલાકાત લેવામાં આવશે, જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ERO અને AERO દ્વારા પણ ક્ષેત્રીય નિરીક્ષણ કરવામાં આવશે. મતદારયાદીને અદ્યતન અને સર્વસમાવેશી બનાવવા માટે રાજ્યના તમામ પાત્ર નાગરિકો અને યુવાનોને આ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.