એટલાન્ટા, જ્યોર્જિયા: ભારતીય-અમેરિકન સમુદાય માટે એક ગૌરવવંતી અને ઐતિહાસિક ક્ષણ આવી. જ્યારે ભારતના લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાનું અનાવરણ એટલાન્ટામાં કરવામાં આવ્યું. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સરદારની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એટલાન્ટા સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલના મુખ્ય પ્રાંગણમાં આ અનાવરણ કરવામાં આવ્યું.
આ ભવ્ય સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, એટલાન્ટા સ્થિત ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. સુમિત સેઠ તેમજ FOGAUSA (ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA)ના પ્રમુખ ડૉ. વાસુદેવ પટેલ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની બહાર વિશ્વમાં કોઈ ભારતીય સરકારી રાજદ્વારી મિશનના પ્રાંગણમાં સ્થાપિત કરવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રથમ સ્વતંત્ર પ્રતિમા છે. FOGAUSAના પ્રમુખ ડૉ. વાસુદેવ પટેલની દૂરંદેશી અને FOGAUSAની એક્ઝિક્યુટિવ કમિટી, જ્યોર્જિયા ટીમ તથા કોન્સ્યુલેટના સહયોગથી માત્ર છ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં આ અદ્ભુત પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે.
૭૨ પાઉન્ડ વજન ધરાવતી અને તાંબા-પિત્તળમાંથી નિર્મિત આ પ્રતિમા ભારતથી વિશેષ હવાઈ માર્ગે એટલાન્ટા પહોંચાડવામાં આવી હતી. આ પહેલ માત્ર ગુજરાતી ડાયસ્પોરા માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય-અમેરિકન સમુદાય માટે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું કાયમી પ્રતીક બની રહેશે.






