એકતા નગર: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે નવી ભેટ આપી છે. નર્મદા નદીમાં ૬૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય અને અત્યાધુનિક ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
જરૂરી તમામ સુરક્ષા માપદંડોનું પાલન અને સંબંધિત વિભાગોની મંજૂરી મેળવ્યા બાદ ટૂંક સમયમાં આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે.
અગાઉ ૨૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક કાર્યરત છે. પ્રવાસીઓનો ઘોડાપૂર પ્રતિસાદ અને વધતી માંગને ધ્યાનમાં રાખીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ’ દ્વારા વધુ વિશાળ અને સુવિધાસભર ક્રૂઝ લોન્ચ કરવાનો નિર્ણય લેવાયો.
નવી ક્રૂઝની મુખ્ય વિશેષતાઓ:
-
ક્ષમતા અને ડાઇનિંગ: ૬૦૦ પ્રવાસીઓની મુસાફરી ક્ષમતા અને ૨૫૦ લોકો માટે ડાઇનિંગ વ્યવસ્થા.
-
પરિમાણ: ૩૦ મીટર લંબાઈ અને ૧૨ મીટર પહોળાઈ.
-
સ્ટેજ: પરફોર્મન્સ અને વિવિધ આયોજનો માટે ૫ x ૪ મીટરનું વિશાળ સ્ટેજ.
-
આકર્ષણ: ખાસ આકર્ષક ડેકોરેટિવ લાઈટિંગ, જે રાત્રિના સમયે ક્રૂઝની શોભામાં વધારો કરશે.
આ નવી ક્રૂઝ માત્ર નદી પ્રવાસ માટે જ નહીં, પરંતુ લગ્ન સમારંભો, બર્થડે સેલિબ્રેશન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, પ્રોડક્ટ લોન્ચ, સંગીત સંધ્યા અને ખાનગી આયોજનો માટે પણ ઉપયોગી સાબિત થશે.
આ સુવિધાથી એકતા નગરના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.




