કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારોઃ કલમ 144 લાગુ

બેંગલુરુઃ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મદ્દુર શહેરમાં ભગવાન ગણેશની પ્રતિમાના વિસર્જન દરમિયાન સામ્પ્રદાયિક અથડામણો થતાં ટેન્શન થયું હતું. બીજા સમાજના ઉપદ્રવીઓ દ્વારા કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યા પછી પરિસ્થિતિ તંગ બની હતી, જેને કારણે વ્યાપક અશાંતિ ફેલાઈ હતી. આ અથડામણ રામ રહિમનગર વિસ્તારમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમ્યાન થઈ હતી. બંને સમાજના યુવકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યાર બાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

પોલીસ અધિક્ષક મલ્લિકાર્જુન બાલાદંડી ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અમે મદ્દુરમાં વધારાનાં દળોને તહેનાત કર્યા છે અને કલમ 144 લાગુ કરી છે, જેથી તણાવ ન વધે.કડક સુરક્ષા વચ્ચે વિસર્જન કરાવવામાં આવ્યું હતું. મદ્દુરના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસને મૂકવામાં આવી છે.

પોલીસના જણાવ્યાનુસાર મસ્જિદથી લગભગ 500 મીટર દૂર શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પછી તેમાં સામેલ લોકોએ પ્રતિકાર કર્યો હતો. પોલીસે બંને જૂથોને છૂટાં કરવા હળવો લાઠીચાર્જ .કર્યો હતો. કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે સોમવારે જણાવ્યું કે 7 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણો બાદ મદ્દુર શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. શહેરમાં તણાવ વધતાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી અને વધારાના દળોને મૂકવામાં આવ્યાં છે.

માંડ્યાના એસપી મલ્લિકાર્જુન બાલાદંડીએ જણાવ્યું કે બે FIR નોંધવામાં આવી છે – એક સુઓ મોટો આધાર પર અને બીજી એક ઘાયલ વ્યક્તિની ફરિયાદ પર. તેમણે જણાવ્યું હતું કે 21 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને આગળ વધુ ધરપકડ થશે. શિવમોગ્ગા જિલ્લાના સાગરથી પણ ગણપતિની મૂર્તિ અપવિત્ર કરવાની ઘટનાઓ સામે આવી છે. શિકારપુરાના ધારાસભ્ય વિજયેન્દ્રએ આક્ષેપ કર્યો હતો કે અલ્પસંખ્યકોને નામે આ પ્રકારની ગંદી હરકતોથી ખાસ કરીને હિંદુ મહિલાઓમાં ભય ફેલાયો છે.