અમદાવાદ: ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ પાસે એક અકસ્માત સર્જાયો છે. આ કોલેજમાં B.Scના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રેરણા નિનામા નામની વિદ્યાર્થિનીનું અકસ્માતમાં નિધન થયું છે. યુવતી કોલેજની બહાર ચાલતા જઈ રહી હતી, ત્યારે એક ક્રેને તેને અડફેટે લીધી હતી. રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
કોલેજથી માત્ર 200 મીટરના અંતરે દુર્ઘટના
પ્રેરણા નિનામા કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરીને ચાલતા-ચાલતા બહાર નીકળી રહી હતી. કોલેજથી માત્ર 200 મીટરના અંતરે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગવાથી યુવતી રસ્તા પર નીચે પટકાઈ, ત્યારબાદ આ મહાકાય ક્રેન યુવતી પરથી ફરી વળી હતી. આ ભયાનક અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ક્રેનનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. રસ્તા પર બનેલી આ કરુણ ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થયેલા ક્રેન ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




