રાંચીઃ ઝારખંડમાં JPSC, JSSC CGL અને અન્ય ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન સતત ચાલુ છે. મુખ્ય મંત્રી હેમંત સોરેને બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેમની માગોઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ભરતી પરીક્ષામાં અનિયમિતતાઓને મામલે અનેક લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટૂંક સમયમાં આ કેસનો નક્કર ઉકેલ સામે આવશે.
સરકાર ચર્ચા માટે તૈયાર
તેમણે કહ્યું હતું કે સરકારના દરવાજા સૌ માટે ખુલ્લા છે. જેમને પણ કોઈ માગો હોય તેઓ ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરે. સરકાર પહેલેથી જ અનેક મુદ્દાઓથી વાકેફ છે અને વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરશે તો તેમની માગો પર ચોક્કસ ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દે તેમની કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ જરૂર પડશે તો તેઓ આ અંગે ચર્ચા કરશે. આ પહેલાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)એ પણ આંદોલન કરી રહેલા ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. પાર્ટીના મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ પાંડેએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓની માગોના ઉકેલ માટે આગામી એક-બે દિવસમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. તેમણે કહ્યું હતું કે ઉપલબ્ધ પુરાવાઓને આધારે આગામી બે-ત્રણ દિવસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાના આરોપ
ઉલ્લેખનીય છે કે JPSCની 14મી સિવિલ સર્વિસ પ્રારંભિક પરીક્ષાનું પરિણામ પાંચ જુલાઈએ જાહેર થયા બાદ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓના આરોપ લગાવ્યા હતા. ત્યારથી વિદ્યાર્થીઓ સતત ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તથા ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માગ કરી રહ્યા છે.




