પટનામાં વિદ્યાર્થીઓનો હંગામોઃ CM આવાસના ઘેરાવનો પ્રયાસ

પટનાઃ બિહારની રાજધાની પટનામાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ 70મી BPSC પરીક્ષાને લઈને પરીક્ષા રદ કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કથિત પેપર લીક અને ગેરરીતિના આક્ષેપો કર્યા છે. કુલ 15 સૂત્રોની માગોને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ગરદનીબાગના ધરણાં સ્થળે આંદોલન કરી રહ્યા છે. આજે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પટનાના રસ્તા પર ઊતરી આવ્યા અને તેમણે મુખ્ય મંત્રી આવાસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી બાજુ, શિક્ષક ભરતીના નિયમોમાં થયેલા ફેરફારના વિરોધમાં અનેક વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય પક્ષોએ આ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. CM આવાસના ઘેરાવ માટે વિદ્યાર્થીઓએ સવારે લગભગ 11 વાગ્યે ગાંધી મેદાનથી માર્ચ શરૂ કરી હતી. એક તરફ વિદ્યાર્થીઓ મુખ્ય મંત્રી આવાસ સુધી પહોંચવા માટે માર્ચ કરી રહ્યા હતા, જ્યારે બીજી તરફ પોલીસ તેમને CM આવાસ સુધી પહોંચતા રોકવાનો પ્રયાસ કરી રહી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધી મેદાન અને JP ગોલંબર ખાતે પહોંચ્યા હતા. અહીં પોલીસે બેરિકેડિંગ કરી હતી. પોલીસે વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિદ્યાર્થીઓએ પ્રથમ બેરિકેડ તોડી નાખ્યું અને આગળ વધ્યા. જ્યારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ડાક બંગલા ચોરાહા સુધી પહોંચ્યા ત્યારે પોલીસે કેટલાક વિદ્યાર્થી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

 વિદ્યાર્થીઓની મુખ્ય માગો

  • TRE-4માં અગાઉની જેમ એક જ પરીક્ષા લેવામાં આવે.
  • નેગેટિવ માર્કિંગ દૂર કરવામાં આવે.
  • 70મી BPSC પરીક્ષા રદ કરવામાં આવે.
  • ‘એક ઉમેદવાર, એક પરિણામ’ની નીતિ લાગુ કરવામાં આવે.
  • BSSC તરફથી કોન્ટ્રેક્ટ કર્મચારીઓને મળતું વેઇટેજ ખતમ કરવામાં આવે.
  • CGL-4, BSO અને AEDO પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે.
  • ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવે અને કોન્ટ્રેક્ટ નહીં, પરંતુ કાયમી નોકરી આપવામાં આવે.

સમ્રાટ સરકાર એક્શનમાં

પટનામાં વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ સમ્રાટ સરકાર એક્શનમાં આવી છે. વિદ્યાર્થીઓની માગોને લઈને કમિટી બનાવવામાં આવી છે. એ સાથે જ BPSC TRE-4માં ભરતી માટે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.

  • BPSC TRE-4માં ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.
  • પરીક્ષાઓને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે કમિટી બનાવવામાં આવી.
  • સરકારે 5 સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત કરી.
  • કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જજ કરશે.
  • પરીક્ષામાં ગેરરીતિઓ રોકવા માટેના ઉપાયો અંગે કમિટી સમીક્ષા કરશે.