શ્રીહરિકોટાઃ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)એ અવકાશ ક્ષેત્રે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરોએ શુક્રવારે રાત્રે પોતાના GSLV-F18 રોકેટ દ્વારા દેશના નવા નેવિગેશન સેટેલાઇટ NVS-03નું સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપણ કર્યું છે. આ સેટેલાઇટના સફળ પ્રક્ષેપણથી ભારતની સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ ‘NavIC’ વધુ મજબૂત બનશે. તેને કારણે સામાન્ય લોકોને વધુ સારી લોકેશન અને રસ્તો બતાવતી સેવાઓ મળશે. આ ઉપરાંત પરિવહન, ઉડ્ડયન, દરિયાઈ પ્રવૃત્તિઓ અને સુરક્ષા સાથે જોડાયેલાં ક્ષેત્રોને પણ લાભ થશે.
GSLVની 20મી ઉડાન
ઈસરોના જણાવ્યાનુસાર 50 મીટર લાંબું GSLV-F18 રોકેટ શુક્રવારે રાત્રે 11.51 વાગ્યાને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી રવાના થયું હતું. આશરે 18 મિનિટની ઉડાન બાદ 2,232 કિલોગ્રામ વજન ધરાવતા NVS-03 સેટેલાઇટને સફળતાપૂર્વક નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. ભારતના GSLV રોકેટની આ 20મી ઉડાન હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપી શુભેચ્છા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે કહ્યું હતું કે આ મિશન ભારતની સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ NavICને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનાથી દેશની ટેક્નોલોજિકલ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે અને લોકોને વધુ સારી નેવિગેશન સેવાઓ ઉપલબ્ધ થશે.
Mission Success!
GSLV-F18 has successfully placed NVS-03 in the intended orbit.
Congratulations!Watch live: https://t.co/6X42ANRnTC
Mission details:
https://t.co/wtZ6TmjUhc#GSLVF18 #NVS03 #ISRO #NavIC
— ISRO (@isro) October 30, 2026
સામાન્ય લોકોથી લઈને પરિવહન અને સુરક્ષા ક્ષેત્રને થશે ફાયદો
NVS-03 સેટેલાઇટનો સૌથી મોટો લાભ એ થશે કે તેનાથી ભારતની પોતાની લોકેશન દર્શાવતી સિસ્ટમ NavICની સેવાઓ વધુ સારી બનશે. હાલમાં લોકેશન અને રસ્તો બતાવવા માટે દુનિયાભરમાં અમેરિકાની GPS સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. NavIC ભારતની પોતાની સ્વદેશી સિસ્ટમ છે, જે દેશને વિદેશી નેવિગેશન સિસ્ટમ પર નિર્ભર રહ્યા વિના લોકેશન અને સમય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. આ મિશનનો સૌથી મોટો ફાયદો દેશની સુરક્ષાને મજબૂત બનાવવામાં અને સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવામાં થશે. સ્વદેશી સિસ્ટમ હોવાને કારણે ભારત પોતાનાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરી શકશે. આ રીતે વિદેશી નેવિગેશન સિસ્ટમ પરની નિર્ભરતા પણ ઘટાડી શકાશે.




