આફ્રિકાના યુદ્ધગ્રસ્ત દેશ સૂડાનમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. દેશના દૂરના વિસ્તારમાં આવેલી સોનાની ખાણ ધસી પડવાને કારણે ઓછામાં ઓછા 67 ખાણમજૂરોના સ્થળ પર જ મોત નીપજ્યા છે. ઘટના બાદ મોટા પાયે કાટમાળ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવા માટે સ્થાનિક સ્તરે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
અચાનક ધસી પડી ખાણ, ભાગવાનો પણ મોકો ન મળ્યો
આ ગોઝારી ઘટના વેસ્ટ કોર્ડોફાન પ્રાંતના નૂહૂદ શહેર નજીક આવેલા અલ્-જારા (Al-Jara) ગોલ્ડ માઇનમાં બની હતી. સ્થાનિક તબીબી સમૂહ અને દુર્ઘટનામાં આબાદ ઉગરી ગયેલા મજૂરોના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે જ્યારે ના નાના પાયે ખનન કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ઉપરથી માટી અને મોટી ખડકો ધસી પડી હતી. ખાણની ઊંડાઈ અને ધસી પડેલા કાટમાળના કારણે અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાની તક સુદ્ધાં મળી નહોતી.

મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ
ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 67 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ ઘણા ખાણિયાઓ લાપતા હોવાથી અને કાટમાળ ખૂબ જ ભારે હોવાથી મૃત્યુઆંક વધુ ઊંચો જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગૃહયુદ્ધ અને સુરક્ષાના અભાવે સર્જાયી હોનારત
જે વિસ્તારમાં આ સોનાની ખાણ આવેલી છે, તે વિસ્તાર અર્ધસૈનિક બળ ‘રેપિડ સપોર્ટ ફોર્સિસ’ (RSF) ના નિયંત્રણ હેઠળ છે. આ અર્ધસૈનિક દળ છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી સૂડાનની સરકારી સેના સામે રક્તરંજિત ગૃહયુદ્ધ લડી રહ્યું છે. દેશમાં વ્યાપેલી અસ્થિરતા અને અનિયંત્રિત પરિસ્થિતિઓ વચ્ચે કોઈ પણ જાતના સુરક્ષાના ધોરણો કે મંજૂરી વિના ગેરકાયદેસર અને પરંપરાગત રીતે ખનન થઈ રહ્યું હતું, જેના પરિણામે આ મોટી જાનહાનિ થઈ છે. હાલમાં બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ કાર્ય ઝડપથી ચલાવાઈ રહ્યું છે.




