નવી દિલ્હી: TMCના સાંસદ સુદીપ બંદોપાધ્યાયએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે, કારણ કે અગાઉથી જ TMCના 19 સાંસદો બળવાખોર બની ચૂક્યા છે. જ્યારે કેટલાક રાજ્યસભા સાંસદોએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સુદીપ બંદોપાધ્યાયની ભૂપેન્દ્ર યાદવ સાથેની મુલાકાતે દિલ્હીથી લઈને પશ્ચિમ બંગાળ સુધી રાજકીય ગરમાવો વધારી દીધો છે.
ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને બેઠક
આ પહેલાં ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને TMCના બળવાખોર સાંસદોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 19 સાંસદો હાજર રહ્યા હોવાનું કહેવાય છે. હવે સુદીપ બંદોપાધ્યાય પણ ભૂપેન્દ્ર યાદવને મળ્યા હોવાથી એવી અટકળો ચાલી રહી છે કે તેઓ પણ બળવાખોર જૂથમાં જોડાઈ શકે છે. જોકે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.સુદીપ બંદોપાધ્યાય તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાય છે અને લાંબા સમયથી સંસદમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
TMCમાં બળવો યથાવત્
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદથી જ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને બળવો ચાલુ હોવાનું કહેવાય છે. શરૂઆતમાં કેટલાક ધારાસભ્યો અલગ જૂથમાં ગયા હતા અને બાદમાં 19 સાંસદોનું જૂથ પણ અલગ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જૂથે લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થા માટે ઓમ બિરલાને પત્ર લખ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

કોલકાતા ઉત્તરથી સાંસદ છે સુદીપ બંદોપાધ્યાય
સુદીપ બંદોપાધ્યાય કોલકાતા નોર્થ લોકસભા બેઠકમાંથી ચૂંટાયેલા સાંસદ છે. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે અને સંસદમાં તૃણમૂલ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCને મળેલી હાર બાદ પાર્ટીમાં સતત તૂટફૂટની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં હવે સુદીપ બંદોપાધ્યાયનું નામ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જોકે આગળ શું થાય છે તે જાણવા માટે હજુ રાહ જોવી પડશે.






