ચૂંટણી પંચ વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનનું કોર્ટમાં “સુપ્રીમ’ સોગંદનામું

નવી દિલ્હીઃ મત ચોરીના આરોપો વચ્ચે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની મંજૂરી માગી છે. SIR, ફોર્મ-6 અને ઈસીનેટ (ECINET) વ્યવસ્થાને લઈને ચૂંટણી પંચ પાસેથી જવાબ માગવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોની ભૂમિકા અંગે પણ માહિતી માગવામાં આવી છે.

એ સાથે જ ચૂંટણી પંચના અધિકારીઓને આ સવાલોના જવાબ સોગંદનામા મારફતે રજૂ કરવાનો નિર્દેશ આપવા કોર્ટને વિનંતી કરવામાં આવી છે. આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનરોની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારોનું કહેવું છે કે દેશમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા શરૂ કરવા અને તેનાથી સંબંધિત નિર્ણયો લેવામાં ત્રણેય ચૂંટણી કમિશનરોની સંમતિ હતી કે નહીં, તેનો રેકોર્ડ જાહેર થવો જોઈએ.

SIR શરૂ કરવાના નિર્ણય અંગે જવાબ માગ્યો

અરજદારોએ સવાલ ઉઠાવ્યો છે કે દેશમાં SIR શરૂ કરવાનો નિર્ણય ચૂંટણી પંચે સામૂહિક રીતે ક્યારે અને કેવી રીતે લીધો હતો? શું આ નિર્ણયમાં ત્રણેય ચૂંટણી કમિશનરોની સંમતિ હતી? જો સંમતિ હતી તો તેને લગતા દસ્તાવેજો અને ફાઇલો ક્યાં છે? આ અરજીમાં ચૂંટણી પંચના અગાઉના જવાબ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જવાબમાં જણાવ્યું હતું કે SIR સંબંધિત આદેશો તમામ સભ્યોની સંમતિથી જાહેર કરવામાં આવ્યા હતા. તેના પર અરજદારોએ પૂછ્યું છે કે આ સંમતિ કઈ તારીખે આપવામાં આવી હતી અને નિર્ણય કઈ બેઠક અથવા ફાઇલને આધારે લેવામાં આવ્યો હતો?

ત્રણેય ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ અંગે સવાલ

આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનરો વચ્ચે SIR, ઈસીનેટ અને ફોર્મ-6ને લઈને કોઈ મતભેદ કે વાંધો હતો કે કેમ તેની માહિતી પણ માગવામાં આવી છે. આ 48 સવાલો દ્વારા વિપક્ષે SIR પ્રક્રિયા, ફોર્મ-6માં કરવામાં આવેલા ફેરફારો, મતદાર યાદીના ડિજિટલ વ્યવસ્થાપન અને ચૂંટણી પંચની નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માગી છે.