નવી દિલ્હીઃ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિઓનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાન અને ચઢાવાના સંચાલનમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ અરજીમાં વકીલ અનુપ પ્રકાશ અવસ્થીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આ મામલે FIR નોંધાવવા અને કોર્ટની દેખરેખ હેઠળ CBI દ્વારા તપાસ કરાવવાના આદેશ આપવા અંગે વિચાર કરવામાં આવે.
આ અરજીમાં ભક્તોના ચઢાવાની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમ જ મંદિરના ફંડના સંગ્રહ, હિસાબી પ્રક્રિયા અને ખર્ચમાં પારદર્શિતા લાવવા માટે ન્યાયિક દેખરેખની વ્યવસ્થા ઊભી કરવાની માગ પણ કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મુદ્દો ઉઠાવ્યા બાદ સોશિયલ મિડિયા પર પણ તેની ભારે ચર્ચા શરૂ થઈ છે. આ મામલે રાજકીય નેતાઓ ઉપરાંત સાધુ-સંતોનાં નિવેદનો પણ સામે આવ્યા છે. વિવાદ વધતાં ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. SITમાં લખનૌના મંડલ કમિશનર વિજય વિશ્વાસ પંત, પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અખિલેશ યાદવ ઉપરાંત કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોના નેતાઓએ પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
તપાસમાં કોઈ ઢીલાશ નહીં રાખવામાં આવે : નૃપેન્દ્ર મિશ્ર
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ સોમવારે જણાવ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટની દાન રકમમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહેલી SIT કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખશે નહીં. અયોધ્યામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે મંદિર ટ્રસ્ટ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે અને SITને દરેક શક્ય મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિશ્રએ વધુમાં જણાવ્યું કે આ મુદ્દે તેમણે રવિવારે જિલ્લા પ્રશાસન સાથે પણ ચર્ચા કરી હતી અને પ્રશાસને સંપૂર્ણ સહયોગ આપવાનો વિશ્વાસ આપ્યો છે.






