નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં SIR અને ચૂંટણી પંચની કામગીરીને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મંગળવારે (27 ઓક્ટોબર) સુનાવણી પૂર્ણ થઈ હતી. ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાનો જવાબ આપવા માટે અરજદારોએ સુપ્રીમ કોર્ટ પાસે 10 દિવસનો સમય માગ્યો હતો. કોર્ટે અરજદારોની આ માગ સ્વીકારી લીધી છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. આ કેસની સુનાવણી CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે કરી હતી. આ બેન્ચમાં ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહના પણ સામેલ છે. આ અરજીઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર કથિત રીતે એકપક્ષી નિર્ણયો લેવાના આરોપ લગાવવામાં આવ્યા છે. અરજદારોએ ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 17 નવેમ્બરે થશે.
નવી અરજી પર ચૂંટણી પંચને નોટિસ
સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન ફોર્મ-6માં ફેરફાર કરવાનો ચૂંટણી પંચ પર આરોપ લગાવતી સાંસદ ડોલા સેનની નવી અરજી પર પણ ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટમાં શું છે મામલો?
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અરજદારોનો દાવો છે કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીના મંતવ્યોને અવગણીને જ્ઞાનેશ કુમારે SIR પ્રક્રિયા અંગે એકપક્ષી અને મનસ્વી નિર્ણયો લીધા હતા. નવા મતદારોનાં નામ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-6માં વધારાનું ઘોષણાપત્ર જોડવાના નિર્ણય સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારોને મતે આ ફેરફારને કારણે નવા અને યુવા મતદારો માટે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવું મુશ્કેલ બન્યું છે.

ચૂંટણી પંચે શું સ્પષ્ટતા કરી?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં ચૂંટણી પંચે તમામ આરોપોને ફગાવી દીધા છે. પંચે જણાવ્યું છે કે SIR સાથે સંબંધિત ત્રણેય આદેશો—24 જૂન 2025, 27 ઑક્ટોબર 2025 અને 14 મે 2026ના—સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. પંચના જણાવ્યાનુસાર તેની અંદર કોઈ પણ પ્રકારનો એકપક્ષી નિર્ણય લેવામાં આવ્યો નથી.
શું છે SIR વિવાદ?
જોકે વિપક્ષનો આરોપ છે કે દેશભરમાં SIRના નામે 13 કરોડથી વધુ લાયક મતદારોનાં નામ મતદાર યાદીમાંથી ગેરકાયદે રીતે દૂર કરવામાં આવ્યાં છે અથવા દૂર કરવામાં આવી રહ્યાં છે. વિપક્ષનો દાવો છે કે યોગ્ય કારણ કે નોટિસ આપ્યા વિના લોકોનાં નામ કાપવામાં આવ્યાં છે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે.






