સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસઃ નિમણૂક પ્રક્રિયા પર કાનૂની જંગ શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ (ECI)ને એક નોટિસ ફટકારી છે. આ નોટિસ તે અરજીને આધારે આપવામાં આવી છે જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનો (ECs)ને પ્રોસિક્યુશનમાંથી ‘આજીવન મુક્તિ’ આપતા નવા કાયદાને પડકારવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટ આ ગંભીર બંધારણીય પ્રશ્નની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

‘આજીવન સુરક્ષા’ પર વિવાદ

આ અરજીમાં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ અધિનિયમ, 2023’ની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદો CEC અને ECsને તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કોઈ પણ કાર્ય માટે નાગરિક અને ફોજદારી કાર્યવાહીમાંથી જીવનભર માટે સુરક્ષા આપે છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે બંધારણ રચનાકારોએ આવી વ્યાપક સુરક્ષા તો ન્યાયાધીશોને પણ આપી નથી. તો પછી સંસદ કેવી રીતે એવું ‘કવચ’ આપી શકે, જે અન્ય બંધારણીય ઉચ્ચ અધિકારીઓ પાસે પણ નથી?

નિમણૂક સમિતિ પર પણ પ્રશ્નો

આ અરજીમાં તે ફેરફારને પણ પડકારવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી કમિશનરોની પસંદગી કરતી સમિતિમાંથી CJIને બહાર રાખવામાં આવ્યા છે. 2023ના કાયદા મુજબ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રધાન મંત્રી દ્વારા નામિત એક કેન્દ્રિય કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ કાર્યકર જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે CJIને દૂર કરીને કેબિનેટ મંત્રીને સામેલ કરવાથી પસંદગી પ્રક્રિયામાં સરકારનું પલડું ભારે થઈ જાય છે, જે નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંત અને ચૂંટણી પંચની સ્વતંત્રતા વિરુદ્ધ છે.

 સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સંસદ

આ મામલો ન્યાયિક અને વિધાનસભાકીય શક્તિઓ વચ્ચેના ટકરાવ સાથે જોડાયેલો છે. માર્ચ, 2023ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સંસદ કોઈ કાયદો ન બનાવે ત્યાં સુધી નિમણૂકો વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને CJIની નિષ્પક્ષ પેનલ દ્વારા થવી જોઈએ. ડિસેમ્બર, 2023માં સરકારે શિયાળુ સત્ર દરમિયાન નવો કાયદો પસાર કર્યો અને પેનલમાંથી CJIને દૂર કરી દીધા. વિરોધ પક્ષે તેને કોર્ટના આદેશની ભાવનાને કચડવાનું પગલું ગણાવ્યું હતું.