સુપ્રીમ કોર્ટની ડિજિટલ અરેસ્ટ કૌભાંડ મુદ્દે RBIને નોટિસ, તપાસ CBIને સોંપાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ કૌભાંડને અત્યંત ગંભીર મુદ્દો ગણાવતાં તેના તમામ કેસોની તપાસ CBIને સોંપી દીધી છે. કોર્ટે જણાવ્યું કે આ પ્રકારની સાયબર છેતરપિંડીઓ પર તરત જ કાર્યવાહી કરવાની જરૂર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ અરેસ્ટ કૌભાંડ પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે અને હવે અન્ય કૌભાંડથી અલગ CBI સૌથી પહેલાં ડિજિટલ અરેસ્ટ સ્કેમ  સંબંધિત કેસોની તપાસ કરશે.

CBIને મળ્યા ખાસ અધિકારો

ડિજિટલ અરેસ્ટકૌભાંડમાં સાયબર ક્રાઈમમાં જે બેંક અકાઉન્ટ્સનો ઉપયોગ થયો છે, તેની તપાસ માટે CBIને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. સંડોવાયેલા બેંક અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરી શકાશે. દેશભરમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ પર નિગરાની રાખવા આ નિર્ણયને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે CBIને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PCA) હેઠળ તે બેંક અધિકારીઓની તપાસ કરવાની પણ સંપૂર્ણ મંજૂરી આપી છે, જેમનાં બેંક અકાઉન્ટ્સનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં થયો હતો.

RBIને નોટિસ જારી

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને પણ પક્ષકાર બનાવી છે અને સવાલ કર્યો છે કે AI/MLની મદદથી શંકાસ્પદ બેંક અકાઉન્ટ્સની ઓળખ અને ક્રાઇમમાં મળેલી રકમને ફ્રીઝ કરવાની પ્રક્રિયા ક્યારે અમલમાં મૂકવામાં આવશે.

બધી એજન્સીઓ CBIને આપશે સહકાર

કોર્ટે નિર્દેશ આપ્યો છે કે IT ઈન્ટરમિડિયરી રુલ્સ મુજબ તમામ સત્તાધિકારીઓ CBIને પૂરતો સહકાર આપે. જેમ રાજ્યોમાં CBIને સામાન્ય મંજૂરી આપવામાં આવી નથી, ત્યાં IT Act 2021ના કેસોની તપાસ માટે વિશેષ મંજૂરી આપવી પડશે, જેથી દેશભરમાં એકસાથે કાર્યવાહી થઈ શકે.