10 વર્ષથી અટકેલા DA મામલે મમતા સરકારને ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના કર્મચારીઓ વચ્ચે મોઘવારી ભથ્થા (DA)ને લઈને ચાલતા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 20 લાખ કર્મચારીઓને મોટી રાહત મળશે. સુપ્રીમ કોર્ટે 2008થી 2019 દરમિયાન બાકી રહેલા DAની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે અગાઉ આપેલા વચગાળાના આદેશ મુજબ બાકી DAમાંથી 25 ટકા રકમ 6 માર્ચ સુધી ચૂકવવી પડશે. બાકી રહેલી રકમ હપતાઓમાં કેવી રીતે આપવી તે નક્કી કરવા માટે કમિટી બનાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે. આ કમિટીમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા, જસ્ટિસ તરલોચન સિંહ ચૌહાણ, જસ્ટિસ ગૌતમ વિધુડી અને CAGના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી નક્કી કરશે કે બાકી DA કેવી રીતે ચૂકવવું. કોર્ટે કમિટી પાસેથી 16 મે સુધી રિપોર્ટ માગ્યો છે અને આગળની સુનાવણી 16 મેએ  થશે.

રાજ્ય સરકારને ચૂકવવા પડશે 43,000 કરોડ

આ નિર્ણયથી 20 લાખ કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ કુલ અંદાજે 43,000  કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કર્મચારીઓ માટે DA તેમનો હક છે. મમતા સરકારએ કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

હાઇકોર્ટે પણ ચુકવણીનો આદેશ આપ્યો હતો

કલકત્તા હાઇકોર્ટે મે, 2022માં રાજ્ય સરકારને જુલાઈ 2008થી બાકી રહેલા મોઘવારી ભથ્થાનું ત્રણ મહિનામાં ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે મમતા સરકારની અપીલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપીને કહ્યું હતું કે કુલ બાકી DAમાંથી ઓછામાં ઓછા 25 ટકા રકમ ત્રણ મહિનામાં કર્મચારીઓને આપવી જોઈએ.