એમેઝોનને રૂ. ૩૪૦ કરોડનો દંડ ચૂકવવાના આદેશ પર સ્ટેનો સુપ્રીમ ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે બ્રિટન સ્થિત ફેશન બ્રાન્ડ લાઈફસ્ટાઈલ ઇક્વિટીઝ સીએવીની તે અરજી ફગાવી દીધી, જેમાં દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એમેઝોન ટેક્નોલોજીઝને ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ ૩૪૦ કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આપેલો આદેશ સ્થગિત કરવાનો નિર્ણય પડકારવામાં આવ્યો હતો.

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવીઆઈ વિશ્વનાથનની બેન્ચે આ અરજી ફગાવતાં કહ્યું હતું કે અરજી ફગાવવાનાં કારણો આગળના આદેશમાં જણાવવામાં આવશે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ અરજી ફગાવવાથી દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા મામલાની ગુણદોષને આધારે થનારી સુનાવણીમાં કોઈ અવરોધ નહીં આવે.

શું છે આખો મામલો?

આ ટ્રેડમાર્ક કેસ ૨૦૨૦માં ‘બેવર્લી હિલ્સ પોલો ક્લબ’ (BHPC) હોર્સ ટ્રેડમાર્કના માલિક લાઈફસ્ટાઈલ ઇક્વિટીઝે દાખલ કર્યો હતો. કંપનીએ આરોપ લગાવ્યો હતો કે એમેઝોનની ભારતીય શોપિંગ વેબસાઈટ પર તેમના જેવા જ લોગો ધરાવતા કપડાં ઓછી કિંમતે વેચાઈ રહ્યાં હતાં.

કંપનીએ દાવો કર્યો હતો કે Amazon.in પર એમેઝોનના ખાનગી લેબલ સિમ્બલ હેઠળ વેચાતી પ્રોડક્ટ્સ પર તેમના રજિસ્ટર્ડ BHPC ચિહ્નો જેવા ભ્રમિત કરનારા લોગો હતા. કંપનીએ પ્લેટફોર્મ પરના મુખ્ય વેચનાર ક્લાઉડટેલ ઇન્ડિયાને પણ પ્રતિવાદી બનાવ્યો હતો.

ઓક્ટોબર ૨૦૨૦માં, દિલ્હી હાઈકોર્ટે પ્રતિવાદીઓને આવા ઉલ્લંઘનકારી ચિહ્નોનો ઉપયોગ કરવા રોકતી આંતરિક ઇન્જંક્શન (અસ્થાયી રોક) જાહેર કરી હતી. બાદમાં ક્લાઉડટેલ પોતાની જવાબદારી સ્વીકારી અને આવી પ્રોડક્ટ્સમાંથી આશરે રૂ. ૨૪ લાખની વેચાણની જાણ કરી હતી, પરંતુ એમેઝોન ટેક્નોલોજીઝ હાજર થઈ નહોતી, જેને કારણે તેના વિરુદ્ધ એકતરફી કાર્યવાહી થઈ

હાઈકોર્ટે એમેઝોન પર ૩૪૦ કરોડનો દંડ ફટકાર્યો

છી હાઈકોર્ટના સિંગલ જજે લાઈફસ્ટાઈલ ઇક્વિટીઝના પક્ષમાં ચુકાદો આપ્યો અને એમેઝોનને ટ્રેડમાર્ક ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવી. કોર્ટએ માન્યું હતું કે ક્લાઉડટેલ સાથેના એમેઝોનના બ્રાન્ડ લાઈસન્સ અને ડિસ્ટ્રિબ્યુશન એગ્રિમેન્ટે એમેઝોનના ચિહ્નો અને બ્રાન્ડિંગના ઉપયોગને મંજૂરી આપી હતી અને આ વ્યાપારી સંબંધ માત્ર “તટસ્થ મધ્યસ્થી”ની ભૂમિકાથી આગળ ગયો હતો. આ ચુકાદામાં સુધારાત્મક જાહેરાતો અને બ્રાન્ડ રિહેબિલિટેશન માટે 50 લાખ ડોલર (લગભગ રૂ. 41.3 કરોડ)નો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો અને તેના સિવાય રોયલ્ટી નુકસાન બદલ $33.78 મિલિયન (રૂ. 292.7 કરોડ) ચૂકવવા આદેશ કર્યો હતો.