ડિજિટલ એરેસ્ટના કેસોને લઈને સુપ્રીમ કોર્ટ ગંભીર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ ડિજિટલ એરેસ્ટના કેસોની વ્યાપકતા અને દેશભરમાં તેના પ્રસારને ધ્યાનમાં રાખીને તેની તપાસ CBIને સોંપવા ઈચ્છે છે. એ સાથે જ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલા FIRની વિગતો પણ માગી છે.

ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે ડિજિટલ એરેસ્ટના મામલાઓ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી છે અને ઠગાઈનો ભોગ બનેલી એક વરિષ્ઠ મહિલાની ફરિયાદ પર સ્વયં સંજ્ઞાન લઈને દાખલ કરાયેલા કેસોની સુનાવણી ત્રીજી નવેમ્બર સુધી મુલતવી રાખી છે.

ડિજિટલ એરેસ્ટના કેસો મ્યાનમાર, થાઈલેન્ડમાંથી

કોર્ટે CBI તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહેતાની દલીલ પર વિચાર કર્યો હતો કે સાયબર ગુનાઓ અને ડિજિટલ ધરપકડના કેસો મ્યાનમાર અને થાઈલેન્ડ જેવાં વિદેશી સ્થળોથી આવી રહ્યા છે. કોર્ટે તપાસ એજન્સીને આવા કેસોની તપાસ માટે એક યોજના તૈયાર કરવાની સૂચના આપી. કોર્ટે કહ્યું કે હતું કે અમે CBI તપાસની પ્રગતિની દેખરેખ રાખીશું અને જરૂરી સૂચનાઓ આપીશું. ખંડપીઠે CBIને પૂછ્યું હતું કે શું તેને ડિજિટલ ધરપકડના કેસોની તપાસ માટે પોલીસ દળની બહારના સાયબર નિષ્ણાતો સહિત વધુ સંસાધનોની જરૂર છે કે નહીં.

દેશમાં ઓનલાઈન ઠગાઈની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને ન્યાયિક આદેશોમાં ફેરફાર કરીને નાગરિકોને ઠગવાના ડિજિટલ ધરપકડના કેસો અંગે 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને CBI પાસેથી જવાબ માગ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે આવા ગુનાઓ જાહેર જનતાના ન્યાય પ્રણાલીમાં વિશ્વાસની મૂળભૂત રચનાને હચમચાવી દે છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય ગુનો નથી જ્યાં તે ફક્ત પોલીસને તપાસમાં ઝડપ લાવવાની અને કેસને તર્કસંગત નિષ્કર્ષ સુધી પહોંચાડવાની સૂચના આપે. આ એવો કેસ છે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓની મૂળ સુધી પહોંચવા માટે કેન્દ્ર અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલિત પ્રયાસોની જરૂર છે.