નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નીટ-યુજી (NEET-UG) પરીક્ષામાં થયેલી ગરબડીને લઈને એનટીએ (NTA)ને આકરી ફટકાર લગાવી છે. કોર્ટે એનટીએ સમક્ષ અનેક ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આખરે આ ગરબડી કેવી રીતે થઈ? સરકાર તરફથી સુનાવણી દરમિયાન હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોર્ટના નિર્દેશ મુજબ સોગંદનામું દાખલ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ડો. કે. રાધાક્રિષ્નનને પણ સવાલો પૂછ્યા હતા, જેમની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિ બનાવવામાં આવી હતી.

આ સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિંહાએ કહ્યું હતું કે દેશના યુવાનોને આવી રીતે નિરાશ ન કરી શકાય. આ તેમના માટે ભારે માનસિક તણાવની બાબત છે, કારણ કે આ પરીક્ષા પાછળ તેમનો ઘણો સમય અને લાગણીઓ જોડાયેલી હોય છે.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું – ગરબડી કેવી રીતે થઈ?
સરકારે કોર્ટને જણાવ્યું કે નિષ્ણાત સમિતિની તમામ ભલામણો અને સૂચનો આ જ વર્ષે અમલમાં મૂકવાનાં હતાં. તેના પર સુપ્રીમ કોર્ટે એનટીએ અને ડો. રાધાકૃષ્ણનને પૂછ્યું કે જ્યારે તમે શરૂઆતથી જ આ નિષ્ણાત સમિતિનો ભાગ હતા, ત્યારે આ નિયમોના અમલ પર કેટલી દેખરેખ રાખવામાં આવી? આખરે આવી ગરબડી કેવી રીતે થઈ? કોર્ટે વધુમાં કહ્યું કે હાઈ-પાવર કમિટી (HPC)ની ભલામણો અને તમારી દેખરેખ છતાં આવી ઘટના બની છે, તો તેનો અર્થ એ થાય છે કે અથવા તો ભલામણોમાં જ ખામી હતી અથવા પછી તેની યોગ્ય રીતે દેખરેખ રાખવામાં આવી નહોતી.
ભવિષ્યમાં પરીક્ષાઓ કેવી રીતે લેવાશે, તેનો જવાબ આપવો પડશે
જસ્ટિસ નરસિંહાએ કહ્યું હતું કે સંબંધિત મંત્રાલયે એક સોગંદનામું દાખલ કરવું પડશે, જેમાં જણાવવું પડશે કે આગળથી પરીક્ષાઓ કઈ પ્રક્રિયા અને કઈ પદ્ધતિ હેઠળ લેવામાં આવશે. એ સાથે જ એ પણ સ્પષ્ટ કરવું પડશે કે સંસ્થાને યોગ્ય રીતે ચલાવવા માટે અનુભવી નિષ્ણાતોની નિમણૂક અને મજબૂત વ્યવસ્થા કેવી રીતે ઊભી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે એનટીએ ટેકનિકલ અને બૌદ્ધિક રીતે એટલી મજબૂત બને કે 2024 અથવા 2026 જેવી ગરબડીઓ ફરી ક્યારેય ન બને. કોર્ટે બીજી જુલાઈ પહેલાં સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે.






