સુપ્રીમે બિલકિસ બાનો કેસમાં બે દોષિતની આજીવન કેદની સજા સ્થગિત, શરતી જામીન મંજૂર

નવી દિલ્હી: 2002ના ચકચારી ગુજરાત રમખાણો અને બિલકિસ બાનો ગેંગરેપ તથા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતની સજા પર રોક (સ્ટે) લગાવી દીધી છે અને તેમને શરતી જામીન મંજૂર કર્યા છે.જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે જામીન આપવા પાછળ મુખ્ય કારણો આપતા જણાવ્યું હતું કે બંને દોષિતોએ જેલમાં ૧૭ વર્ષથી વધુનો સમય વિતાવ્યો છે અને આ અપીલમાં હજુ કાયદાકીય તથા તથ્યોના મુદ્દાઓ પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આ ઉપરાંત, બેન્ચે નોંધ્યું હતું કે દોષિતોમાંથી એક વ્યક્તિ શારીરિક અક્ષમતા (દિવ્યાંગતા) ધરાવે છે.

બચાવ પક્ષના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ દોષિતો લાંબા સમયથી જેલવાસ ભોગવી ચૂક્યા છે અને તેમની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ ૧૧ દોષિતો પૈકીના છે, જેમની અગાઉ ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ ૨૦૨૨માં આપવામાં આવેલી સમયપૂર્વેની મુક્તિ (Remission)ને સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી ૨૦૨૪માં રદ્દ કરી દીધી હતી અને તેમને આજીવન કેદની સજા ભોગવવા માટે ફરી જેલમાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

હાલ સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની શરતો અનુસાર આ બંને દોષિતોને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જ્યારે આ કેસની મુખ્ય અપીલો પરની સુનાવણી નિયમિત પ્રક્રિયા મુજબ ચાલુ રહેશે.