દિલ્હી-NCRવાસીઓને દિવાળીમાં ગ્રીન ફટાકડાઓની ‘સુપ્રીમ’ ભેટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRવાસીઓને દિવાળીની ભેટ આપી છે. દિલ્હી-NCRમાં ફટાકડા પ્રતિબંધ મામલે CJI બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે અહીં “ગ્રીન ફટાકડા” ફોડવાની મંજૂરી આપી છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે ફટાકડા પ્રતિબંધમાં છૂટ આપવાની સંકેતો આપ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી-NCRમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો ન તો વ્યાવહારિક છે અને ન તો આદર્શ સ્થિતિ છે.

સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપવાની અરજીઓ પરનો નિર્ણય અનામત રાખ્યો હતો. તે સમયે કોર્ટે અધિકારીઓને પૂછ્યું હતું કે ફટાકડા પ્રતિબંધ બાદ હવામાં ગુણવત્તા સૂચકાંક (AQI) પર કોઈ અસર થઈ હતી કે નહીં.

ચીફ જસ્ટિસ ગવઈએ શું કહ્યું

સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ફટાકડાઓની દાણચોરી થતી હોવાથી એ ગ્રીન ફટાકડા કરતાં પણ વધારે નુકસાનકારક સાબિત થાય છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે.ચીફ જસ્ટિસે જણાવ્યું કે અમે સોલિસિટર જનરલ અને એમિકસ ક્યુરીનાં સૂચનો પર વિચાર કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે ઉદ્યોગ ક્ષેત્રની પણ ચિંતા યોગ્ય છે,  પરંપરાગત ફટાકડાઓની દાણચોરી થતી હોવાથી તે વધુ હાનિકારક બને છે.

અમારે સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. હરિયાણાના 22 જિલ્લાઓમાંથી 14 જિલ્લા NCRમાં આવે છે. જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે (કોરોના સમયને છોડીને) હવાની ગુણવત્તામાં ખાસ ફેરફાર થયો નહોતો. ગ્રીન ફટાકડા આવ્યા બાદ છેલ્લાં છ વર્ષોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં NEREનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.